બરોડા બાર એસોસિએશના પ્રમુખ તરીકે સળંગ ત્રીજા વખત નલીન પટેલ ચૂંટાયા
ઉપ પ્રમુખ માટે ભારે રસાકસી બાદ નેહલ સુતરીયાનો અને જનરલ સેક્રેટરી તરીકે રિતેશ ઠક્કરનો ભારે લીડથી વિજય
વડોદરા : બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યુ હતું. રાત્રે ૮.૩૦ વાગ્યાથી મતગણતરી શરૃ થતાં જ એક તરફી માહોલ જોવા મળ્યો હતો અને શરૃઆતથી અંત સુધી પ્રમુખ પદમાં નલીન પટેલની લીડ રહી હતી. તેઓ આજે બરોડા બાર એસોસિએશનના સળંગ ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
76 ટકા મતદાન થયુ હતું, મતપેટીઓ ખુલતા જ એક તરફી લીડ જોવા મળી
જનરલ સેક્રેટરી પદ માટેની ચૂંટણીમાં વિવેકકુમાર મહેન્દ્રભાઇ રાવ અને રિતેશ પ્રવિણચંદ્ર ઠક્કર એમ બે ઉમેદવારો વચ્ચે જંગ હતો. અહી પણ મતદાનના પ્રારંભથી જ રિતેશ ઠક્કરની એક તરફી લીડ રહી હતી અને ૧૪૩૩ મતે વિજય થયો હતો. જ્યારે ઉપ પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી હતી. જેમાં રાજેશકુમાર રમણભાઇ ધોબી, ધર્મેશકુમાર ભોગીલાલ પટેલ અને નેહલ કૌશીકકુમાર સુતરીયા વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. જેમાં નેહલ સુતરીયાનો ૩૦૩ મતોથી વિજય થયો હતો.
નલિન પટેલ, નેહલુ સુતરીયા અને રિતેશ ઠક્કર |
મોડી રાત્રે કોર્ટ કેમ્પસમાં નલીન પટેલ અને તેના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યુ હતું અને પ્રમુખ તરીકેની હેટ્રીકની ઉજવણી કરી હતી. આમ તો આજે સવારથી જ વકીલો માટે ચા-નાસ્તાથી લઇને જમણવાર સુધીની વ્યવસ્થાઓ કેમ્પસ બહાર કરવામાં આવી હતી અને તેના સ્ટોલ લગાવેલા હતા એટલે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.