ગૃહિણીઓ આનંદો : નાફેડ દ્વારા અમદાવાદનાં 15 સ્થળોએ રાહત દરે ડુંગડીનું વેચાણ
મોંઘવારી અને તહેવાર ટાણે નાફેડ દ્વારા સસ્તા ભાવે ડુંગળી વેચવાનું શરૂ
શહેરના વિવિધ વિસ્તારોમાં નાફેડ બેનર હેઠળના વાહનોમાં ડુંગળીનું વેચાણ
અમદાવાદ, તા.22 નવેમ્બર-2023, બુધવાર
તહેવારો ટાણે રોજબરોજ ઉપયોગમાં લેવાતી અને ગરીબોની કસ્તુરી ડુંગળી (Onion Price)ના ભાવ આસામાને પહોંચી ગયા છે, તો બીજી તરફ મોંઘવારીનો માર પણ પ્રજા સહન કરી રહી છે, ત્યારે ગરીબોની થાળીમાં ડુંગળીનો સ્વાદ જળવાય તે માટે રાજ્ય સરકાર અને નાફેડ (NAFED) દ્વારા રાહત દરે ડુંગળી આપવાનું શરૂ કરાયું છે. હાલ અમદાવાદ (Ahmedabad)ના વિવિધ વિસ્તારોમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ ફરતા થયા છે, જેમાં સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું છે.
માર્કેટમાં ડુંગળીનો પ્રતિ કિલો ભાવ રૂ.60થી 70
હાલ શહેરભરમાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચી ગયો છે. રોજબરોજ ઉપયોગમાં લેવાતી ડુંગળીનો ઉપયોગ હવે માત્ર પ્રસાદ જેટલો જ થઈ રહ્યો છે. ડુંગળીના અસહ્ય ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે, તો વિવિધ હોટલો, ખાણી-પીણી લારીઓ પર પણ ડુંગળીના બદલે હવે કોફીઝ સહિતનું સલાડ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ડુંગળી વગરનો સ્વાદ ફીકો પડી ગયો છે. માર્કેટમાં રૂપિયા 60થી 70ના ભાવે મળતી પ્રતિ કિલો ડુંગળી લોકોને રડાવી રહી છે, ત્યારે લોકોને રાહત દરે ડુંગળી આપવા ગુજરાત સરકાર (Gujarat Government) અને નાફેડ દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
નાફેડ દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલો ડુંગળીનું વેચાણ
શહેરના વિવિધ વિસ્તારોમાં નાફેડના ડુંગળી ભરેલા ટેમ્પાઓ ફરતા થયા છે, જે નાગરિકોને સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ દ્વારા હાલ પ્રતિ કિલો 25 રૂપિયના ભાવે ડુંગળીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાફેડના ટેમ્પાઓ દ્વારા વેચાણ કરાતા કેન્દ્ર પરના એક કર્મચારીઓ જણાવ્યું કે, લોકોને રાહત દરે ડુંગળી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. બજારમાં પ્રતિ કિલો 60થી 70 રૂપિયે ભાવ ચાલી રહ્યો છે, ત્યારે નાફેડ દ્વારા સસ્તા ભાવે 25 રૂપિયે કિલો ડુંગળી અપાતા નાગરિકોને પણ મોંઘવારી સામે આંશિક રાહત મળી છે. હાલ એક ટેમ્પા/ટ્રકમાં અંદાજે દોઢ ડન ડુંગળીનો જથ્થો હોય છે. અગાઉ નાફે દ્વારા સસ્તા બાવે દાળનું વેચાણ કરવામાં આવ્યું હતું.