નડિયાદ સંતરામ મંદિરે પોષી પૂનમે હજારો મણ બોરની ઉછામણી
- વહેલી સવારથી મંદિર પરિસર 'જય મહારાજ'ના નાદથી ગુંજી ઉઠયું
- બાળક બોલતું થતાં સ્વજનો માનતા પૂરી કરવા રાજયભરમાંથી ઉમટી પડયાં : શહેરમાં ઠેરઠેર ચક્કાજામની સ્થિતિ સર્જાતા ચાલકો અટવાયા
પોષી પૂનમના દિવસે નડિયાદના સંતરામ મંદિરે દર્શન અને બોર ઉછામણીની માનતાનું અનેરૂં મહત્વ રહેલું છે. સોમવારે પોષી પૂનમના રોજ શહેર સહિત રાજ્યના ખૂણે ખૂણેથી દર્શનાર્થીઓ ઉમટયાં હતાં. કોઈ બાળક બોલતું ન હોય અથવા તોતડું બોલતું હોય તો તેના માતા-પિતા કે સ્વજન દ્વારા સંતરામ જ્યોતની બાધા રાખવામાં આવે છે. બાળક બોલતું થાય તો સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાંગણમાં સવા કિલોથી લઈ યથાશક્તિ, શ્રદ્ધા મુજબ કે બાળકના વજન જેટલા બોર ઉછાળવાની માનતા કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માનતા પુરી કરવા માટે આવ્યાં હતાં. શ્રદ્ધાળુઓ હજારો મણ બોરની ઉછામણી કરી હતી. આ બોરની પ્રસાદી ઝીલવા માટે શહેર સહિતના દર્શનાર્થીઓ મંદિર ખાતે ઉમટી પડયાં હતાં અને બોરને ઝીલી પ્રસાદી ગ્રહણ કરી હતી. બોર ઉછામણીનો લાભ લેવા માટે નડિયાદમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. પરિણામે શહેરમાં પ્રવેશવાના ચારેય તરફના રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસ અને નડિયાદ ટાઉન પોલીસે ટ્રાફિક માટે સુચારુ વ્યવસ્થા ન કરતા મીલ રોડ, કપડવંજ રોડ, ચકલાસી ભાગોળથી મહાગુજરાત, પારસ સર્કલથી કિડની બ્રિજ, બસ સ્ટેન્ડથી પાલિકા અને રેલવે સ્ટેશન સહિત આસપાસના તમામ વિસ્તારોમાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ ઉઠયા હતા.
કોમી એખલાસ : મુસ્લિમ દંપતીએ બોર ઉછાળી માનતા પૂરી કરી
નડિયાદ કોમી એખલાસનું અનોખું કેન્દ્ર રહ્યું છે. સંતરામ મંદિરે પણ કોમી એખલાસનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. એક મુસ્લિમ દંપતિનું બાળક બોલતું ન હોવાથી તેમણે સંતરામ મંદિરની બોર ઉછામણીની માનતા રાખી હતી. માનતા ફળીભૂત થતાં મુસ્લિમ દંપતિએ સંતરામ મંદિર ખાતે બોર ઉછાળીને પોતાની માનતા પૂરી કરી હતી.
બહારથી આવેલા દર્શનાર્થીઓ પતંગ લેવા ઉમટતા પતંગ બજારમાં તેજી આવી
નડિયાદના સંતરામ મંદિરે પોષી પૂનમે દૂર દૂરથી ભક્તો ઉમટયાં હતાં. પૂનમના બીજા દિવસે એટલે કે મંગળવારે ઉતરાયણ હોવાથી મંદિરે આવેલા દર્શનાર્થીઓ નડિયાદના મુખ્ય એવા સલુણ બજારના પતંગ બજાર, શહેરમાં આવેલી વિવિધ હાટડીઓ પર પતંગ, દોરા સહિતની સામગ્રીની ખરીદી માટે ઉમટયાં હતાં.