Get The App

નડિયાદ મનપાનું રૂા. 897 કરોડનું પ્રથમ બજેટ મંજૂર

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
નડિયાદ મનપાનું રૂા. 897 કરોડનું પ્રથમ બજેટ મંજૂર 1 - image


- નગર આયોજન અને નાગરિક સુવિધાના કામો માટે રૂ. 527 કરોડ ફાળવાયા

- સરદાર પટેલની કર્મભૂમીની આગવી ઓળખ ઉભી કરવા આંતરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝીયમ અને મેમોરિયલ બનાવાશે : સ્વચ્છતા માટે રૂ. 81 કરોડ, આરોગ્ય માટે રૂ. 17.75 કરોડની ફાળવણી

નડિયાદ : નવરચિત નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વહીવટદારની ઉપસ્થિતિમાં મહાપાલિકાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મહાપાલિકા વિસ્તારમાં વિકાસના કાર્યો માટે રૂ. ૮૯૭ કરોડના બજેટ પર મહોર લગાવી હતી. બજેટમાં નગર આયોજન અને નાગરિક સુવિધાના કામો માટે રૂ.૫૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સરદાર પટેલની કર્મભૂમીની આગવી ઓળખ ઉભી કરવા આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝીયમ અને મેમોરિયલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ૧૦ સિવિક સેન્ટર, ૨૦ ફાયર સ્ટેશન, બગીચા, ઢોરડબ્બા, ગૌશાળા, એનિમલ હોસ્ટેલ, સિટી બસ સ્ટેશન નેટવર્ક, નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જાહેર શૌચાલય સહિતના માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

નડિયાદ નગરપાલિકાને તા.૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવામાં આવી હતી. જેમાં પાલિકા વિસ્તાર ઉપરાંત યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમળા, મંજીપુરા, ડભાણ, બિલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ મળી ૧૦ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે તા.૧૯ ફેબુ્રઆરીને બુધવારે મહાનગરપાલિકામાં વહીવટદાર અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નડિયાદ મનપાની પ્રથમ બજેટ બેઠક મળી હતી. મનપા વિસ્તારનો વિવિધ ક્ષેત્રે વિકાસ કરવા માટે પ્રથમ બજેટમાં રૂ.૮૯૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. 

નડિયાદ મનપામાં સમાવેલા ૧૦ ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે જોડવા, વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. બજેટમાં મુખ્યત્વે નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે રૂ. ૩૨૬ કરોડ, નાગરિક સુવિધાના કામો માટે રૂ. ૨૦૧ કરોડ, સ્વચ્છતા માટે રૂ. ૮૧ કરોડ, પાણીના નિકાલ માટે રૂ.૪૯.૫ કરોડ, આરોગ્ય માટે રૂ.૧૭.૭૫ કરોડ, પર્યાવરણ માટે રૂ.૪૦ કરોડ સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.    

મનપા વિસ્તારમાં રખડતા પશુઓના કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. અનેક વખત અકસ્માત સહિતના બનાવો બન્યા છે. ત્યારે મનપામાં એનિમલ હોસ્ટેલ, ગૌશાળા, ઢોરડબ્બા, કેટલ પોન્ડ બનાવવામાં આવશે. ઉપરાંત તળાવનું બ્યુટિફિકેશન, ઈન્ટરલિંકિંગ, ૨૦ નવા ફાયર સ્ટેશન, શાક માર્કેટ સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે.   મનપાનું બજેટ રજૂ કર્યા બાદ મ્યુનિ. કમિશનર જી.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, આજે રજૂ કરાયેલા બજેટમાં માત્ર એક વર્ષ નહીં પરંતુ આગામી પાંચ વર્ષનું આયોજન આવરી લેવામાં આવ્યું છે. નડિયાદ સરદાર પટેલની કર્મભૂમી હોવાથી અને આટલા બધા સાક્ષરો હોવાથી તેમને યાદ ન કરીએ તો નગુણા કહેવાઈએ. જેથી નડિયાદની આગવી ઓળખ ઉભી કરવા આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝીયમ અને મેમોરિયલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

પશ્ચિમથી પૂર્વના રેલવે બ્રિજને મહાગુજરાત સુધી લંબાવાશે

નડિયાદમાં નવા બસ સ્ટેન્ડ, શોપિંગ સેન્ટર, આઈકોનિક રોડ બનાવવામાં આવશે. તેમજ રેલવે ઓવરબ્રિજ કે જેનો પશ્ચિમ છેડો સરદાર સ્ટેચ્યુ પાસે અને બીજો સંતરામ રોડ પાસે પૂર્ણ થાય છે. સંતરામ રોડ ખૂબ વ્યસ્ત રહેતો હોવાથી સંતરામ રોડ સુધીનો છેડો લંબાવીને મહાગુજરાત સુધી લઈ જવાની રજૂઆત પરત્વે તેનો સમાવેશ કરી લેવાયો છે. 

એક વર્ષમાં બે ટીપી સ્કીમ તૈયાર કરી સરકારમાં મોકલાશે

નડિયાદ શહેર સહિત મનપામાં સમાવેલા વિસ્તાર માટે નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાશે. ઉપરાંત ટાઉન પ્લાનિંગ (ટી.પી.) સ્કીમ અમલીકરણ અને સરકારમાં પરામર્શ માટે એક વર્ષમાં ૨ ટી.પી. તૈયાર કરી મોકલાશે. ઉપરાંત ટી.પી. સ્કીમ અંતર્ગત મળેલા પ્લોટ્સને ફરતે ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ કરવામાં આવશે. તેમજ અમલમાં મુકાયેલી ટી.પી. સ્કીમના મળેલા પ્લોટના કબજા લેવામાં આવશે. 

અગાઉનો બાકી વેરો ભરનારાઓને 10 ટકા રીબેટ અપાશે

બજેટ દરમિયાન નડિયાદના શહેરીજનો માટે ખાસ જાહેરાત કરવામાં આવી હતી. ચાલુ વર્ષનો બાકી ટેક્સ ભરનારા મિલકત ધારકોને ૧૦ ટકા રીબેટ આપવામાં આવશે. તેમજ અગાઉના નાણાંકીય વર્ષોના પણ ટેક્સની રકમો બાકી હોય અને મિલકત ધારકો તે ટેક્સ હાલમાં ભરે તો તેમને પણ ૧૦ ટકા રીબેટ આપવામાં આવશે.

31 માર્ચ 2026 સુધી ટેક્સના જૂના દર યથાવત્

નડિયાદ મનપામાં તા.૧ જાન્યુઆરી ૨૦૨૫થી તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધી ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં. દરેક મિલકતને યુનિક ક્યુઆર કોડ આપીને ટેક્સ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવશે અને કાર્પેટ બેઝ આકારણી માટે સર્વે કરાશે. નવું ટેક્સ સ્ટ્રક્ચર ઉભું કરીને નવી આકારણી સાથે અમલમાં મુકવા જરૂરી સોફ્ટવેર મેળવી વ્યવસ્થા ઉભી કરાશે. 

બુલેટ ટ્રેન સ્ટેશન પાસે માળખાકીય સુવિધા માટે ૩૦ કરોડ ફાળવ્યા

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું સ્ટોપેજ નડિયાદના ઉતરસંડા ગામ નજીક અપાયું છે. ઉતરસંડા ગામ નડિયાદ મનપામાં સમાવિષ્ટ કરવામાં આવતા બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રૂ. ૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

મહાપાલિકા વિસ્તારમાં આ કાર્યો પાછળ ખર્ચ કરાશે

કામની વિગત

ફાળવેલી રકમ (લાખમાં)

રોડ સંબંધિત કામગીરી

,૫૦૦

ફ્લાયઓવર અને બ્રિજ માટે ગ્રાન્ટ

,૦૦૦

વોટર સપ્લાય (નવું ડેવલોપમેન્ટ/ અપગ્રેડેશન)

૩૦૦૦

તળાવ બ્યુટિફિકેશન તથા ઇન્ટરલિંકિંગ

૨૫૦૦

સફાઈના નવા તથા અન્ય વાહનની ખરીદી

૨૦૦૦

અર્બન હેલ્થ સેન્ટર, હેલ્થ અને વેલનેસ સેન્ટર

૧૫૦૦

આઇકોનિક રોડ અને સમાંતર બ્યુટિફિકેશન

૧૫૦૦

ઓડીટોરીયમ અને કોમ્યુનીટી હોલ

૧૫૦૦

ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન

૧૫૦૦

વરસાદી પાણીનો નિકાલ

૧૫૦૦

મ્યુઝીયમ, મેમોરીયલ બનાવવા

૧૪૦૦

૧૦ સિટી સિવિક સેન્ટર બનાવવાના

૧૦૦૦

ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર

૧૦૦૦

સેન્ટ્રલ બસ સ્ટેશન બનાવવા

૧૦૦૦

મનપા વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન

૧૦૦૦ 

શાળાઓ/ આંગણવાડીઓ

૮૦૦

નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

૭૦૦

નવી બસ સેવા તથા સિટીબસ સ્ટેશન નેટવર્ક

૭૦૦

નાઈટ શેલ્ટર હાઉસ અપગ્રેડેશન/ નવીન બિલ્ડિંગ ગ્રાન્ટ

૫૧૦

૨૦ નવીન ફાયર સ્ટેશન બનાવવા

૫૦૦

મનપાની મિલકતોની ફરતે કમ્પાઉન્ડ વોલ તથા ફેન્સિંગ

૫૦૦

સ્ટાફ ક્વાટર્સ બનાવવા- રીનોવેશન

૫૦૦

નવું ગાર્ડન બનાવવા/ રીનોવેશન

૫૦૦

મુક્તિધામનો વિકાસ અને નિભાવણી

૪૫૦

મનપા વિસ્તારના બ્યુટિફિકેશનનો ખર્ચ

૪૦૦

એપ્રોચ રોડની લાઈટિંગ અને નવી સ્ટ્રીટલાઈટ

૪૦૦

ટ્રાફિક જંકશન ડેવલપમેન્ટ

૪૦૦

જાહેર શૌચાલય અને યુરીનલ નવા બનાવવા અને રીનોવેશન

૨૫૦

મનપા સર્કલ વિકાસ અને જાળવણીની કામગીરી

૨૦૦

ટ્રાફિક સિગ્નલ અપગ્રેડેશન, નવા નાખવા

૨૦૦

સ્પોર્ટ્સ ફેસેલીટી ઉભી કરવા

૧૫૦

એનિમલ હોસ્ટેલ તેમજ કેટલ પોન્ડ/ગૌશાળા /ઢોરડબ્બા

૧૩૦

મનપા વિસ્તારમાં સીસીટીવી નાખવા

૧૦૦

મનપા વિસ્તારમાં એક્ઝીબીશન સેન્ટર બનાવવા

૧૦૦

શાકમાર્કેટ બનાવવા તથા જાળવણી

૧૦૦

કેનાલ ફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી

૧૦૦ 

અર્બન ફોરેસ્ટ તેમજ પીકનીક સેન્ટર બનાવવા

૧૦૦

રેલવે ગરનાળા પાસેના પમ્પિંગ સ્ટેશન અપગ્રેડેશન

૧૦૦

મલ્ટી લેવલ પાર્કિંગ તેમજ પાર્કિંગ સ્પેસ ડેવલપ કરવા

૧૦૦

અગ્નિશમન નવા વાહન અંગે

૫૫

મનપા વિસ્તારમાં નવી લાયબ્રેરી બનાવવા

૫૦

મનપા વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડર ઝોન બનાવવા

૫૦

હેરીટેજ પથના વિકાસ માટે

૫૦

મનપાના તમામ બિલ્ડિંગો ઉપર સોલાર રૂફટોપ નાખવા

૫૦ 

સિટી ડેવલપમેન્ટ વિઝન ડોક્યુમેન્ટ/પ્લાન્ટ બનાવવા

૨૫

વોટર ટેસ્ટિંગ લેબોરેટરીના સાધનો

૧૦


Google NewsGoogle News