તાઇવાનના ખાડાને ગુજરાતનો ગણાવવો ભારે પડ્યો, નડિયાદના વેપારીને ક્રાઇમ બ્રાન્ચ પકડી ગઈ
Nadiad businessman Arrest : આજકાલ વરસાદની સિઝન ચાલી રહી છે જેથી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર આડેધડ જૂના વીડિયો અને ફોટો અપલોડ કરતાં હોય છે, જેને જોયા બાદ ઘણા લોકો ચકાસ્યા વિના ફોરવર્ડ પણ કરતા હોય છે. ત્યારે નડિયાદના વેપારીને આવો જ વીડિયો x (ટ્વિટર) પર પોસ્ટ કરવો ભારે પડી ગયો છે. તાઇવાનના ખાડાના વીડિયોને ગુજરાતનો ગણાવતાં ક્રાઇમ બાન્ચે ધરકપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા x (ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વાહન આવે છે ખાડામાં પડતાં ફંગોળાઇ જાય છે. આ વીડિયો ગુજરાત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ વીડિયો ફેક છે. આ ખાડાવાળો વીડિયો ગુજરાતનો નહી પરંતુ બીજા દેશનો હોવાનું સામે આવ્યું છે. ખોટી રીતે ગુજરાતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતાં આ વીડિયો નડિયાદના પ્રહ્લાદ દલવાડી નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો. ફેક વિડીયો મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા હાલમાં પ્રહ્લાદ દલવાડીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.