સચિનમાં ડ્રાઇવરનું ભેદી મોત : માર મારતા મોત થયાના પરિવારના આક્ષેપ

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
સચિનમાં ડ્રાઇવરનું ભેદી મોત : માર મારતા મોત થયાના પરિવારના આક્ષેપ 1 - image


- પડી જતા ઇજા થઇ હોવાની પોલીસે શક્યતા દર્શાવી પણ ફોરેન્સીક પી.એમમાં માથામાં ઇજા થવાથી મોત થયાનું ખુલ્યું

સુરત :

સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુવાન ડ્રાઈવર ગુરુવારે સવારે રહસ્યમય સંજોગોમાં ઇજા પામેલી હાલતમાં મળતા સારવાર દરમિયાન મોતને ભેટયો હતો. ડ્રાઇવરને માર મારી તેની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

નવી સિવિલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ૩૫ વર્ષનો મુકેશ મહેન્દ્ર ચૌહાણ ગુરુવારે સાંજે સચિન જીઆઇડીસી પોલીસ મથકનની નજીક આવેલ ફૂટપાથ ઉપરથી રહસ્યમય સંજોગોમાં ઇજા અને બીમાર હાલતમાં મળી આવતા ૧૦૮ એમ્બ્યુલેન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં શુક્રવારે સવારે તેનું મોત થયું હતુ. આ અંગે મુકેશના ભાઈ અનિલએ કહ્યું કે, મુકેશ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલમાં પલસાણામાં રહેતો હતો અને સચિન ખાતે જેસીબી ચલાવતો હતો. બે-ત્રણ દિવસ પહેલા મુકેશનો ફોન આવ્યો હતો કે, રાજુ નામક શખ્સે માર માર્યો હતો. જોકે આજે સવારે સિવિલ ખાતે અમે આવતાની સાથે ખબર પડી કે મુકેશનું મોત થયું છે. તેનું માર મારવાથી મોત થયું છે. મુકેશ પાંચેક મહિના પહેલા જ સુરત આવ્યો હતો અને ત્રણ મહિના પછી તેના લગ્ન હતા.

નવી સિવિલ ખાતે મુુકેશ ફોરેન્સીક પીએમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, તેના માથામાં બોથડ પદાર્થથી ઇજા થઇ હોવાના નિશાન છે. તેના ખભા અને પીઠના ભાગે ચકામાના નિશાન પણ મળ્યા છે. આ ઇજા ત્રણ-ચાર દિવસ પહેલા થઇ હોવાની શક્યતા છે. માથામાં ઇજા થવાથી મોત થયુ હોવાની શક્યતા છે. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, પડી જવાથી ઇજા થઇ હોવાની શક્યતા છે. પણ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે. 


Google NewsGoogle News