ટ્રિપલ સવારીમાં પકડાયેલા યુવાનનું સારોલી પોલીસ મથકમાં ભેદી મોત
- કસ્ટોડીયલ ડેથનો વધુ એક બનાવ
- મુળ અમરેલીના સંદિપ વેકરીયા અને તેના
મિત્રની પોલીસે અટકાયત કરી હતીઃ અજુગતું થયાની શંકા સાથે પરિવારનો હોબાળો
- પોલીસે કહ્યું, ચક્કર આવતા પડી ગયા બાદ બેભાન થઇ ગયો હતો
સુરત,:
સારોલી કેનાલ રોડ પર ગુરુવારે રાતે બાઈક પર
ટ્રિપલ સવારી અને ફેન્સી નંબર પ્લેટમાં યુવાન અને તેના મિત્રની પોલીસે અટકાયત
કરીને સારોલી પોલીસ મથકમાં લઇ ગયા હતા. ત્યાં રહસ્યમંય સંજોગોમાં યુવાનને ચક્કર
આવ્યા બાદ મોત નિપજ્યું હતું. જયારે યુવાનના પરિવારજનો દ્વારા સમગ્ર પ્રકરણમાં
નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં તથ્ય કાંડને પગલે સુરત સહિત રાજ્યમાં પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે ગુરૃવારે રાત્રે પુણા- સારોલી રોડ પર નહેર પાસે પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે બાઈક પર પસાર થઈ રહેલા ત્રણ યુવાનોને પોલીસે અટકાવ્યા હતા. જેમાં એક યુવાન ત્યાંથી નાસી છૂટયો હતો. જયારે ૩૨ વર્ષીય સંદિપ ભરત વેકરિયા (રહે- અમૃત રેસીડન્સી, મોટા વરાછા) અને તેના મિત્ર સંજયની પોલીસજવાનોએ અટકાયત કરી હતી. મોટર સાયકલની નંબર પ્લેટ ફેન્સી હોવાની સાથે ત્રણ સવારી હોવાથી બંને યુવકને સારોલી પોલીસ મથકે લઇ જવાયા હતા.
ત્યાં સંદિપ રહસ્યમંય સંજોગોમાં પડી જતા બેભાન થઇ ગયો હતો. તેને સ્મીમેર લઇ જવાયો હતો પણ ડોકટરે મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં ભારે રોષ ફેલાયો હતો. સમાજના અગ્રણીઓ પણ ઘેરા આઘાતમાં સરી પડયા છે. સંદિપ સાથે કંઇક અજુગતું થયાની શંકા સાથે પરિવારે સ્મીમેર હોસ્પિટલમા હોબાળો મચાવ્યો હતો. પોલીસ યોગ્ય જવાબ આપી રહી નથી. જેથી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરાવો. સંદિપનો પરિવાર મુળ અમરેલી જીલ્લામાં સાંવરકુડલા તાલુકામાં નેસડીગામનો વતની છે. તે માર્કેટમાં કાપદ દલાલી કરતો હતો. તેનો એક ભાઇ છે.
સારોલી પોલીસ મથકના પી.આઇ સંદિપ દેસાઇએ કહ્યુ કે બાઇક ટ્રિપલ સવારી તથા ફેન્સી નંબર પ્લેટમાં અને સંદિપ વેકરીયાનો મિત્ર લાઠીયા પ્રોહીબિશન કેસમાં અટકાયત કરી હતી. બાદમાં પોલીસ મથકમાં સંદિપ વેકરિયાને ચક્કર આવતા બેભાન થઇ ગયો હતો. તેનું નેચરલ મોત થયાની શક્યતા છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું હકીકત સ્પષ્ટ થશે.
- સ્મીમેરમાં વીડિયોગ્રાફી સાથે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું : રિપોર્ટ બાદ હકીકત સ્પષ્ટ થશે
સ્મીમેર હોસ્પિટલ ખાતે સંદિપનુંં વીડિયોગ્રાફી સાથે ફોરેન્સિક ડોકટરો પેનલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. જોકે ડોકટરોએ બે કલાક સુધી જીણવત ભરી તપાસ કરીને પોસ્ટમોર્ટમ કર્યુ હતુ. જેમાં તેના ડાબી આંખ પાસે ધસરકો મળી આવ્યો હતો. જયારે બીજા કોઇ ઇજાના નિશાન મળ્યા નથી. જોકે તેના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા પછી તેના મોતનું સાચુ કારણ જાણવા મળશે. એવુ સ્મીમેરના ફોરેન્સીક વિભાગના ડોકટરે કહ્યુ હતું.