માતરના રઘવાણજમાં તાપણું કરી રહેલા યુવાનની તલવાર મારી હત્યા
- હત્યાના આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરાયો
- 3 મિત્રો રાતે તાપણા પાસે બેઠા હતા ત્યારે શખ્સે મંદિરમાંથી તલવાર કાઢી ફટકારતા યુવક ઢળી પડયો
માતર તાલુકાના રઘવાણજ ગામે સોનારપુરા નિશાળવાળા ફળિયામાં વિજયભાઈ પૂજાભાઈ ઠાકોર રહે છે. તેમનો પુત્ર ભાવિન ગઈ કાલે શનિવારે મોડીરાત્રે ઘર પાછળ આવેલા બહુચરમાતાના મંદિર નજીક પોતાના મિત્રો સુનિલ તેમજ નરેશ સાથે તાપણું સળગાવી બેઠો હતો. દરમિયાન આ વિસ્તારમાં રહેતો જયેશ રમેશ ઉર્ફે કાભાઈભાઈ ઠાકોરે આવી બહુચર માતાના દેરામાંથી તલવાર લઈને આવી ભાવિનને માથામાં પાછળના ભાગે તલવાર મારી હતી. જેથી ભાવિન (ઉં.વ.૨૧) લોહીલૂહાણ હાલતમાં જમીન પર જ ઢળી પડયો હતો. જેથી તેના સાથી મિત્રોએ બુમરાણ મચાવતા ભાવિનના માતા-પિતા તુરંત જ દોડી આવ્યા હતા. ભાવિનને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ભાવીન ઠાકોરનું મોત નિપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશ રમેશભાઇ ઉર્ફે કાભાઈભાઈ ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે.