મારા પતિએ સ્પાના ધંધા માટે મારા પિતા પાસેથી રૃા.૧૩ લાખ લીધા હતા
પિયરને ત્યાં રહેતી પરિણીતાની ફરિયાદ
મારા પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ છે, જુગાર પણ રમે છે, અવારનવાર સુધરી
જવાનું કહ્યું પરંતુ સમજ્યા નહિ
રાજકોટ : હાલ પિયરને ત્યાં સાધુ વાસવાણી રોડ પરનાં પાટીદાર ચોકમાં વસંત વિહાર બિલ્ડીંગમાં રહેતી ખ્યાતીબેન નામની ૩૬ વર્ષની પરણિતાએ પતિ પ્રિતેશ, સસરા ચીમનભાઈ નાથાભાઈ ભાલોડી અને સાસુ ચંદ્રીકાબેન (રહે. બધા જીવરાજ પાર્ક, સાનીધ્ય એવન્યુ) વિરૃધ્ધ મહિલા પોલીસમાં ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી છે.
જેમાં ખ્યાતીબેને જણાવ્યું છે કે, છેલ્લા અઢી
વર્ષથી પિયરમાં સાત વર્ષની પુત્રી સાથે રહે છે. ૨૦૧૫માં તેના લગ્ન થયા હતાં. સાતેક
માસ સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. તે વખતે પતિ એક કંપનીમાં મેનેજર તરીકે
નોકરી કરતો હતો. પતિને પોતાનો ધંધો શરૃ કરવો હોવાથી નોકરી મુકી સાતેક મહિના ઘરે
બેઠો હતો. તે વખતે સસરા મેઈન પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા હતાં.
પતિએ નોકરી મુકી દેતા ઘરની આર્થિક સ્થિતિ ખોરવાઈ ગઈ હતી.
તેવખતે પતિએ તેને કહ્યું કે,
મારે સ્પાનો ધંધો ચાલુ કરવો છે. જેથી મને રૃા. ૧૩ લાખ આપ. જેથી તેના પિતાએ
રૃા. ૧૩ લાખ આપ્યા હતાં. પતિએ થોડો સમય સ્પાનો ધંધો કર્યો હતો. બાદમાં કોન્ટ્રાકટર
પૈસા લઈને જતો રહ્યો હતો તેવું પતિએ કહ્યું હતું.
પુત્રી અઢી માસની થતાં સાસરિયામાં રહેવા ગઈ હતી. તેના થોડા
દિવસો બાદ પતિ આફ્રિકા ખંડના દેશ મડાગાસ્કરમાં ધંધો કરવા માટે જતો રહ્યો હતો.
પાછળથી સાસુ ઘરનાં કામકાજ બાબતે તેની સાથે ઝઘડો કરી મેણાં ટોણા મારતા હતાં. તેના
માતા પિતાને પણ ગાળો આપતા હતાં. એટલું જ નહિં આવેશમાં આવી તેને તમાચા મારી ધક્કો
મારી પણ દેતા હતાં. અધુરામાં પુરૃ તેની પુત્રીને તેના હાથમાંથી ખેંચી પણ લેતા
હતાં. આ બધુ સસરા મુંગા મોઢે જોતા હતાં.
પતિ એકાદ વર્ષ પછી મડાગાસ્કરથી રાજકોટ પરત આવ્યો હતો.
બાદમાં ત્રણેક મહિના માટે પુત્રી અને તેને ત્યાં લઈ ગયો હતો. જયાંથી પરત
સાસરીયામાં આવી ગઈ હતી. સાસરીયામાં ફરીથી સાસુ નાની નાની બાબતમાં ઝઘડો કરી ગાળો
આપતા હતાં. પિત્રાઈ ભાઈ રાજેશ મડાગાસ્કર જતા તેની સાથે તે પણ પુત્રીને લઈને ત્યાં
ગઈ હતી. જયાં એકાદ વર્ષ સુધી રોકાયા બાદ ફરીથી રાજકોટ આવી ગઈ હતી. એકાદ મહિના બાદ
સાસુ સસરા સાથે ફરીથી મડાગાસ્કર ગઈ હતી. એકાદ વર્ષ ત્યાં સાસુ સસરા રોકાઈ રાજકોટ
આવી ગયા હતાં.
જે દરમિયાન તેના પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાનું
મોબાઈલ ફોનથી જોવા મળ્યું હતું. એટલું જ નહિ પરંતુ પતિ જુગાર રમતો હોવાની માહીતી
મળતા પતિને સુધરી જવાનું કહ્યું હતું. આ સમય ગાળા દરમિયાન પાંચથી છ માસ સુધી તેની
તબિયત ખરાબ રહી હતી. તે વખતે પતિએ કોઈસારવાર નહી કરાવતા તબીયત વધુ બગડી હતી. પરંતુ
પતિ પાસે મડાગાસ્કરથી રાજકોટ મોકલવાનાં પૈસા ન હતાં.
જેથી તેના પિતાએ ટીકીટનાં પૈસા મોકલતા તે પુત્રી સાથે રાજકોટ આવી હતી. ત્યારબાદ સાસુ સસરા સાથે સાતેક મહિના સુધી રહી હતી. જે દરમિયાન તેની કે પુત્રીની સાર સંભાળ લીધી ન હતી. તેનું સ્વાદપીંડ સુકાઈ જતા તેની સારવાર પણ તેના પિતાએ કરાવી હતી. હાલ પણ સારવાર ચાલુ છે. જેનો ખર્ચ તેના પિતા ભોગવે છે. દોઢેક વર્ષ પહેલા પુત્રીને સહમતીથી સાસુ સસરાને સોંપી હતી. પતિને અવાર નવાર સુધરી જવા સમજાવ્યા હતાં. પરંતુ નહિ સમજતા આખરે ફરિયાદ નોંધાવી હતી.