'હવે વડોદરા સુરક્ષિત નથી લાગતુ', વડોદરાની સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઈને મુસ્લિમ સમાજે આરોપીઓને ફાંસીની સજાની કરી માગ
Vadodara Gang Rape Case : વડોદરાના ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કેસમાં પકડાયેલા આરોપીના વિરોધમાં વાસણા પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે મુસ્લિમ સમાજના આગેવાનો એક્ઠા થઈને તમામ આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી.
આરોપીને ફાંસીની સજા આપો...
વડોદરાના સામૂહિક દુષ્કર્મ કેસને લઈને મુસ્લિમ સમાજે 'બળાત્કારીઓ માટે માત્ર એક જ સજા હોવી જોઈએ, જાહેરમાં ફાંસી..., ફાંસીની સજાથી ઓછી કોઈ સજા નહીં, જાહેરમાં લટકાવી સજા કરો...'ના બેનર સાથે આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી. જ્યારે સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, 'અમારી લાગણી દીકરીની સાથે છે. જો કોર્ટ આરોપીને ફાંસીની સજા ફટકારી શકતી નથી તો અમને સોંપી દો અમે જાહેરમાં ફાંસીના માચડે ચડાવી દઈશું.'
જ્યારે મુસ્લિમ યુવતીએ કહ્યું કે, 'મારી પણ બહેન છે, આવી ઘટના બનવાથી વડોદરા હવે સેફ લાગતુ નથી.'
ત્રણ આરોપીની ધરપકડ
વડોદરાના ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના મિત્રને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની ધરપકડ કરી છે. જ્યારે સૈફ અલી વણઝારા, અજમલ વણઝારાની પણ પૂછપરછ માટે અટકાયત કરાઈ છે.