લગ્ન પ્રસંગમાં યુવાન ઉપર છરીથી ખૂની હુમલો : આરોપીઓ ઝબ્બે
નહેરૂનગર વિસ્તારમાં બનેલી ઘટના આરોપીઓને જેની સાથે ઝઘડો ચાલતો હતો તેને ઇજા પામનાર યુવાન સાથ આપતો હોવાથી ખાર રાખી હુમલો કર્યો
રાજકોટ, : કોઠારીયા રોડ પરના સ્વાતિ પાર્ક નજીકની આદર્શ વાટિકા સોસાયટીમાં રહેતા અને યાજ્ઞાીક રોડ પર ફલીપકાર્ટની ઓફિસમાં કામ કરતા યશ રાજેશભાઈ વરમોરા (ઉ.વ. 21)ને ચાર શખ્સોએ માથાના ભાગે છરીનો ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. માલવિયાનગર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી છે.
ફરિયાદમાં યશે જણાવ્યું છે કે ગઇકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ મિત્ર વિક્રમસિંહ જાડેજાના લગ્નમાં નહેરૂનગર શેરી નં. 4 ખાતે હાજર હતો. તે વખતે મિત્ર જૈમિન ગાજીપરા પણ સાથે હતો. લગ્ન પ્રસંગમાં કરણ બોરીચા, શાહરૂખ કાસમ, જમાલ શેખ અને સિકંદર ઉર્ફે સિકલો સંધી પણ આવ્યા હતાં. આ ચારેય આરોપીઓ તેને અને તેના મિત્ર જૈમિનને જોઇ જતાં પાસે આવી કહ્યું કે તમને અવારનવાર કહ્યું છે કે વિપુલ બગથરીયા સાથે કેમ મિત્રતા રાખો છો, અમારા અને વિપુલ વચ્ચે દુશ્મનાવટ છે.
તે સાથે જ ચારેય આરોપીઓ જૈમિનને ઢસડી ગયા હતા અને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. તે વચ્ચે પડતાં આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ કહ્યું કે આજે તમને મારી નાખવા છે. બાદમાં સિકંદર ઉર્ફે સિકલાએ તેના માથામાં ઉંધી છરી ઝીંકી દીધી હતી જ્યારે કરણે પણ છરી કાઢી માથામાં ઝીંકી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. તે સાથે જ શાહરૂખ અને જમાલે પણ તેને આડેધડ ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું.
તે વખતે આરોપીઓએ ગાળો ભાંડતા કહ્યું કે તું અમારા દુશ્મન વિપુલનો કેમ સાથ આપશ. ત્યાર પછી વધુ માર મારી કહ્યું કે આજે તને જીવતો મારી નાખીશ. તેણે અસહ્ય દુ:ખાવાને કારણે બૂમાબૂમ કરતાં માણસો ભેગા થઇ ગયા હતા. તે સાથે જ ચારેય આરોપીઓ ભાગી ગયા હતા. તેના મિત્ર જૈમિને બીજા મિત્ર વિપુલને કોલ કરી બોલાવી લીધો હતો. ત્યારબાદ તેને ખાનગી વાહનમાં બેસાડી, સિવિલમાં દાખલ કરાવ્યો હતો. ફરિયાદમાં આગળ યશે જણાવ્યું કે તેના મિત્ર વિપુલને આરોપી કરણ અને શાહરૂખ સાથે જૂનો ઝઘડો ચાલુ છે. તે વિપુલનો મિત્ર હોવાથી તેને સાથ આપતો હતો. જે આરોપીઓને ગમતું ન હોવાથી તેનો ખાર રાખી તેની ઉપર છરી વડે હુમલો કર્યો હતો.