ખંડેર બનેલી બોખીરા આવાસ યોજનાના 124 બ્લોકનો નગરપાલિકા દ્વારા ડ્રો
જીવનાં જોખમે ગરીબ લોકો વસવાટ માટે મજબૂર
૨૦૧૭માં ૯૪ કરોડના ખર્ચે ૨૪૪૮ આવાસોનું કરાયું હતું નિર્માણઃ અંતિમ તબક્કાના ડ્રોમાં ફાળવાયા ફ્લેટ
પોરબંદરમાં સરકાર દ્વારા બી.એસ.યુ.પી. આવાસ યોજના અંતર્ગત બોખીરા વિસ્તારમાં ૯૪ કરોડના ખર્ચે ૨૪૪૮ આવાસનું નિર્માણ કરાયંુ હતું. જે તા.૩૧-૩-૨૦૧૭ના રોજ પૂર્ણ થયું હતું. આ આવાસ યોજનામાં કુલ ૫૧ ટાવર છે. એક ટાવરમાં કુલ ૪૮ યુનિટ આવેલ છે અને ફલોર દીઠ ૧૨ યુનીટ આવેલ છે. આવાસમાં ફલેટ મેળવવા લાભાર્થીઓને કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી ફલેટની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે અગાઉ ૧૧ ડ્રો મારફત ફાળવણી કરાયા બાદ બિરલા હોલ ખાતે ૧૨મો અને અંતિમ ડ્રો કરવામાં આવ્યો હતો.
અંતિમ ૧૨૪ બ્લોક માટે ૧૨૭ અરજી આવી હતી. જેમાં ૧૨૪ લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફલેટની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૨૪ ફલેટ ફાળવી દેવામા આવ્યા હતા. અને બાકી નીકળતા તમામ ફલેટની ફાળવણી થઇ ચૂકી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર, પ્રાદેશિક કમિશ્નર વગેરેના હસ્તે લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા.
આવાસ યોજના નિર્માણ સમયથી જ તેની નબળી ગુણવતાને લઇને વિવાદમાં રહી છે અને છેલ્લા છ માસમા જ અગાઉ ફાળવાયેલ આવાસોમાં છતના પોપડા પડવાની ૧૦ થી વધુ ઘટના બની છે. મોટાભાગના આવાસ જર્જરિત હાલતમાં છે. તેમ છતાં લોકો જીવના જોખમે ત્યાં વસવાટ કરી રહ્યા છે.