મ્યુનિ.એ સીલ ખોલ્યા પણ હજુ 150 સ્કૂલો પાસે બીયુ કે ફાયર NOC નથી
- 100 સ્કૂલોને નોટિસ આપ્યા બાદ વધુ 50 સ્કૂલોને નોટિસ આપી સંચાલકો પાસે ખુલાસો મંગાવાયો
સુરત
રાજકોટની
ઘટના બાદ પાલિકા દ્વારા સીલ કરાયેલી ૨૮૨ સ્કુલોમાંથી ૨૫૮ સ્કુલોના સંચાલકો પાસે
બાંહેધરી પત્રક લઇને સ્કુલોના સીલ તો ખોલી આપ્યા, પરંતુ ડીઇઓની તપાસમાં
ફાયર અને બીયુસી નહીં હોઇ એવી અત્યાર સુધીમાં ૧૫૦ સ્કુલો જણાઇ છે. પહેલા ૧૦૦ બાદ
આજે વધુ ૫૦ સ્કૂલોને ડીઇઓએ નોટિસ ફટકારી છે.
નવા શૈક્ષણિક વર્ષની આ ગુરૃવારથી શરૃઆત થઇ હોવાથી વિદ્યાર્થીઓના ભણતર નહીં બગડે તે માટે જે જે સ્કુલો સીલ મરાઇ હતી. તે સ્કુલોના સંચાલકો પાસેથી બાંહેધરીપત્રક લઇને સ્કુલોના સીલ ખોલી નાંખતા ૨૫૮ સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય શરૃ થઇ ગયુ છે.પરંતુ ડીઇઓ દ્વારા થયેલી તપાસમાં પણ એક પછી એક સ્કુલોની લાલીયાવાડી બહાર આવી રહી છે. જેમાં છેલ્લા બે દિવસમાં ૧૦૦ સ્કુલોને નોટીસ આપ્યા બાદ આજે બીજી ૫૦ સ્કુલોને નોટીસ આપવામાં આવી છે. આમ ૧૫૦ સ્કુલોને સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટીસ ફટકારાઇ હતી કે સમયાતરે વારંવાર રજુઆતો કરવા છતા બીયુસી કે ફાયર સેફટીનું કે ફાયરને લગતી અન્ય સુવિધાઓ જોવા મળેલ નથી. જે ગંભીર બાબત છે.શાળા સલામતી-૨૦૧૬ નું ઉલ્લંધન કર્યુ છે. શાળામાં કોઇ દુર્ધટના સર્જાય તો બાળકોની સલામતી જાળવવી આપની જવાબદારી બને છે. આથી શિક્ષણના નિયમોની જોગવાઇનુ પાલન ન કરવા બદલ શાળા સામે નિયમોનુસાર કાર્યવાહી કેમ ના કરવી ? તેનો ખુલાસો બે દિવસમાં કરવા તાકીદ કરાઇ છે. આચાર્ય અને શાળા સંચાલકને આધાર પુરાવા સહિત રૃબરૃ હાજર રહેવા તાકીદ કરાઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ હજુ પણ ૧૫૦ થી વધુ સ્કુલો છે. જેમાં બીયુસી કે ફાયર સેફટીનો અભાવ છે.