લ્યો બોલો, મ્યુનિ.નો ફુડ ફેસ્ટીવલ સિક્યુરીટી કર્મચારીઓએ 11 વાગ્યે બંધ કરાવી દીધો
મ્યુનિ.એ રાતે 12 વાગ્યા સુધી ચાલુ રાખવાની જાહેરાત કરેલી છે
રાતે 11 વાગ્યે મુલાકાતીઓએ ફુડ કુપન લીધી ત્યારબાદ સ્ટોલ અચાનક બંધ કરાવી દેવાયાઃ મેયરે સિક્યુરીટીની ખુલાસો માંગ્યો
મુલાકાતીઓએ પુછપરછ કરતા સિક્યુરીટી ઓફિસર સ્થળ પર નહોતા અને કોઇ સબંધીની બર્થડે પાર્ટીમાં ગયા હોવાની માહિતી મળી
સુરત,
સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન પાર્ટી પ્લોટમાં શરુ કરવામા આવેલા ફૂડ ફેસ્ટીવલને પાલિકાના સિક્યુરીટી સ્ટાફે 11 વાગ્યે બંધ કરાવી દેતા વિવાદ ઉભો થયો છે. પાલિકાએ રાત્રે 12 વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ સિક્યુરિટી સ્ટાફે ગઈકાલે 11 વાગ્યે જ બંધ કરાવી દેવાની ફરિયાદ મળતા મેયરે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર સામે પગલાં ભરવાની સૂચના આપી છે.
સુરત મહાનગરપાલિકાએ શરૃ કરેલા ફૂડ ફેસ્ટિવલ માં પાલિકાના નહી પરંતુ ત્યાં ફરજ બજાવતા સિક્યુરીટી સ્ટાફ ના નિયમો ચાલી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા દર વર્ષે અઠવા પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલ કરે છે અને પાલિકાના આ ફૂડ ફેસ્ટિવલનો લોકો મોટી સંખ્યામાં લાભ લે છે. લોકો ગરબા રમીને ખાવા માટે આવે છે તેથી પાલિકાએ ફૂડ ફેસ્ટિવલ શરૃ કર્યો ત્યારે જ લોકોની સુવિધા માટે પાલિકાએ રાત્રીના 12 વાગ્યા સુધી ફુડ ફેસ્ટિવલ ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી
પાલિકાની આ જાહેરાતને પગલે ગઈકાલે કેટલાક લોકો રાત્રી ના ૧૧ વાગ્યે ફુડ ફેસ્ટિવલ માં પહોંચ્યા હતા. અને નાસ્તા- ભોજન માટે ટોકન પણ લીધા હતા પરંતુ થોડી જ વારમાં ફૂડ ફેસ્ટિવલ ના સ્ટોલ બંધ કરવાની સૂચના ફરજ પરના સિક્યુરિટી કર્મચારી દ્વારા આપવામાં આવી હોવાથી સ્ટોલ બંધ કરી દેવામાં આવ્યા છે. આ અંગે કેટલાક લોકોએ તપાસ કરતાં સૂચના આપનારા સિક્યુરિટી કર્મચારી સ્થળ પર હાજર ન હતા અને તેમના કોઈ સંબંધીની બર્થડે પાર્ટીમાં ગયા હતા તેવી માહિતી મળી હતી. આ અંગેની ફરિયાદ આજે મેયર દક્ષેશ માવાણીને મળતા તેઓએ ચીફ સિક્યોરિટી ઓફિસરને બોલાવીને 11 વાગ્યે ફૂડ ફેસ્ટિવલ બંધ કરવાની સુચના કોણે આપી અને તેની તપાસ કરી રિપોર્ટ આપવાની સૂચના આપવા સાથે આવું કરનારા સામે પગલાં ભરવા પણ સુચના આપી છે. આ ઉપરાંત રાત્રીના 12 વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ માં આવનારાને ટોકન મળે તેવી રીતે કામગીરી કરવા સૂચના આપી છે.