Get The App

જેતપુરમાં નગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં પ્રદેશ લેવલ સુધીનો જૂથવાદ ઉઘાડો પડયો

Updated: Feb 2nd, 2025

GS TEAM


Google News
Google News
જેતપુરમાં નગરપાલિકા ચૂંટણીમાં ભાજપમાં પ્રદેશ લેવલ સુધીનો જૂથવાદ ઉઘાડો પડયો 1 - image


સ્થાનિક સ્વરાજ્યનું રાજકારણ છેક પ્રદેશ કક્ષાએ પહોંચતા ચકચાર

ધારાસભ્ય જયેશ રાદડિયાનાં જુથનો હોવાથી પ્રદેશ કક્ષાએ વગ વાપરીને યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી હોવાનો પૂર્વ સુધરાઈ પ્રમુખનો ગંભીર આક્ષેપ

જેતપુર :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ ટિકિટ ફાળવણી થતાં જ ખાસ કરીને ભાજપમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી છે. જેમાં રાજકોટ જિલ્લામાં મહત્વપૂર્ણ ગણાતી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં સ્થાનિકથી લઈને છેક પ્રદેશ લેવલ સુધીનો જૂથવાદ ઉઘાડો પડયો છે. ધારાસભ્ય જયેશ રાદડિયાનાં જુથનો હોવાથી પ્રદેશ કક્ષાએ વગ વાપરીને યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી હોવાનો પૂર્વ સુધરાઈ પ્રમુખ સુરેશ સખરેલીયાએ ગંભીર આક્ષેપ કરીને અન્ય ૪૨ ઉમેદવારોના ટેકાથી ભાજપમાં સામુહિક ઉમેદવારીપત્ર પરત ખેંચવા અને રાજીનામા આપી દેવાની ચીમકી આપતા ઉહાપોહ મચી ગયો છે. જો કે, આજે આખ્ખો દિવસ બેઠકનો દોર ચલાવીને ધારાસભ્ય જયેશ રાદડિયાએ મનામણાં કરી ડેમેજ કંટ્રોલ કર્યો હતો.

જેતપુરમાં ગઈકાલથી ભાજપમાં અપસેટ સર્જાયો હતો અને ભાજપમાં ભંગાણ સર્જાવાની સ્થિતિ ઉભી થઈ હતી. ગઈકાલે શનિવારના રોજ ભાજપના ૪૪ સભ્યોએ ફોર્મ ભર્યું હતું અને જેમાંથી ૪૨ના જ મેન્ડેટ આવ્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને કલ્પેશ રાંકનું નામ કપાયું હતું. જે બાદ આ ઘટનાક્રમ બાદ પક્ષના ૪૨ ઉમેદવારોએ સખરેલીયાને સમર્થન જાહેર કરી, પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની ચીમકી ઉચ્ચારી હતી.જે પરિસ્થિતિને કાબૂમાં લેવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ શરૃ કર્યો હતો. તેમણે આજે પોતાના નિવાસ સ્થાન બાદ પટેલ સમાજ વાડી ખાતે અસંતુષ્ટો અને અન્ય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં ડ્રેમેજ કંટોલ કર્યો હતો.

આ બેઠક બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જેતપુરમાં ભાજપ પૂરા ખતથી ચૂંટણી લડશે. પ્રદેશ કક્ષાએથી મેન્ડેન્ટ આપવામાં આવેલા તમામ ઉમેદવારો ચૂંટણી લડશે અને તેને જીત સુધી પહોંચાડશું. પૂર્વ પ્રમુખની ટિકિટ કપાવાનો નિર્ણય પ્રદેશ લેવલે લેવાયો છે. જ્યારે આ મામલે ગંભીર આરોપ લગાવતાં અસંતુષ્ટ પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાએ જણાવ્યું કે 'ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોંરાટે અંગત રસ લઈ મારી ટિકિટ કપાવી નાખી છે. ધારાસભ્ય જયેશ રાદડિયા સાથેના મારા નજીકના સંબંધોને કારણે પ્રદેશ નેતૃત્વને ખટકીએ છીએ. આગામી દિવસોમાં ચૂંટણી બાદ પ્રદેશ લેવલે જેતપુરમાં ભાજપને નુકસાન પહોંચાડવા માટે આ ખેલ રચવામાં આવ્યો છે, જેની ફરિયાદ કરીશું.'

આ ઘટનાક્રમે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાવો લાવી દીધો છે અને આ વાત પ્રદેશ સુધી પહોંચી છે. રાજકીય સુત્રો કહે છે કે, અગાઉ સાંસદની ચૂંટણી સમયે પોરબંદર બેઠક માટે દાવેદારી કરાતા કોરાટ અને રાદડિયા જૂથ વચ્ચે મતભેદ સર્જાયો હતો. બાદમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે જેતપુર બેઠક પર પ્રશાંત કોરાટને ટિકિટ જોઈતી હતી, પણ પ્રદેશ લેવલેથી જયેશ રાદડિયા જ ટિકિટ ખેંચી લાવ્યા હતા. જેથી ધારાસભ્ય જયેશ રાદડિયા વિરૃધ્ધ કેટલીક પ્રવૃતિઓ ચાલુ થઈ હતી અને વારંવાર જાહેર મંચ પરથી તેઓ વિરોધીઓને શાબ્દિક ચાબખા મારી રહ્યા છે. હવે તેમના રાદડિયા જૂથના પૂર્વ સુધરાઈ પ્રમુખની ટિકિટ કપાતા પ્રદેશ લેવલે કોરાટ જૂથે તરકટ રચ્યાનો આક્ષેપ થયો છે.

Tags :