Get The App

વિશ્વમ્ એજન્સીને મનપાના થાબડભાણાં, : મોતના તાંડવ 17 બસોના ઉતારૂ રઝળાવ્યા

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
વિશ્વમ્ એજન્સીને મનપાના થાબડભાણાં, : મોતના તાંડવ 17 બસોના ઉતારૂ રઝળાવ્યા 1 - image


રાજકોટમાં અકસ્માત પહેલાં જ વિશ્વમનું 50 ટકા પેમેન્ટ સ્ટોપ કરાયું છે  : મનપાના સિટી બસ વિભાગના અધિકારી તરીકે રાજીનામું આપી જસ્મીન રાઠોડ હવે સિટી બસ પૂરી પાડનાર કંપનીના અધિકારી!

રાજકોટ, : રાજકોટમાં ઈલેક્ટ્રીક સિટી બસો દિલ્હીની બસ ઉત્પાદક પીએમઆઈ કંપની પાસેથી ખરીદીને શહેરમાં ચલાવવા માટે આ જ કંપનીની નારાયણ નામની એજન્સી પાસે બી.આર.ટી.એસ. પર 40 ઈલે.બસો અને વિશ્વમ્ સિટી બસ ઓપરેશન્સ પ્રા.લિ. કે જેને મનપા મૂળ પીએમઆઈ કંપનીની એસ.પી.વી.કહે છે તેની સાથે ૭૪ ઈલે.સિટી બસો ચલાવવા જૂલાઈ-૨૦૨૨માં કરાર કર્યા બાદ અનેકવિધ ગોલમાલો જોવા મળી છે અને છતાં ત્રણ વર્ષમાં આ એજન્સીને બ્લેકલીસ્ટ કરવા કે કોન્ટ્રાક્ટ રદ કરવા કોઈ કાર્યવાહી નહીં કરીને એજન્સીની આળપંપાળ થતી રહ્યાનું બહાર આવ્યું છે. હજુ આજે પણ કોઈ નક્કર પગલા લેવાયા નથી. તો બીજી તરફ, વિશ્વમ એજન્સીની આ ૭૪ પૈકીની એક બસે શહેરમાં અતિ દર્દનાક અકસ્માત સર્જીને ૪ માનવજિંદગી છિનવી લીધા બાદ આજે ઉલ્ટુ  આ એજન્સીના ૧૭ જેટલા ડ્રાઈવરો ફરજ પર હાજર નહીં સેંકડો મુસાફરો ભરઉનાળામાં રઝળી પડયાનું બહાર આવ્યું છે.

આ અંગે મનપાના સિટી બસ વિભાગના આસિ.મેનેજર મનીષ વોરાનો સંપર્ક સાધતા જણાવ્યું કે અકસ્માતના બનાવમાં ડ્રાઈવર સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેને લઈને આજે સવારે 17 જેટલા ડ્રાઈવરોએ સિટી બસ ઉપાડી ન્હોતી અને તે કારણે આ રૂટો પર બસો ચાલી ન્હોતી. આ માટે નિયમોનુસાર ડ્રાઈવરો રોકનાર વિશ્વમ્ એજન્સી જવાબદાર હોય તેને નોટિસ અપાઈ છે. ઉપરાંત આ એજન્સીને અતિ ગંભીર અકસ્માત સર્જવા બદલ ભવિષ્યમાં તકેદારી રાખવાની તાકીદ કરતી અન્ય નોટિસ પણ અપાઈ છે. 

મનપા સૂત્રો અનુસાર અકસ્માત પહેલાથીજ વિશ્વમ્ એજન્સીએ ઈ. 2022માં કરાર છતાં ઈલે.બસો સમયસર પુરી નહીં પાડતા  અને હજુ પણ ૨૫ જેટલી બસો બાકી છે ત્યારે આ એજન્સીને દર પંદર દિવસે રૂ।. 80 લાખનું બિલ બને છે તેમાં ૫૦ ટકા રકમ હોલ્ડ પર રાખીને તે પેમેન્ટ અટકાવાયેલું છે. ઉપરાંત સિટી બસમાં અનિયમિતતા બદલ પેનલ્ટી વગેરે બાદ કરતા એજન્સીને રૂ।. 17- 18 લાખ જ ચૂકવવામાં આવે છે. 

ગંભીર વાત એ છે કે મહાપાલિકાના સિટી બસ સંભાળતા વિભાગમાં જ અધિકારી તરીકે અગાઉ ફરજ બજાવતા જસ્મીન રાઠોડે આ પદ પરથી હક્ક-હિસ્સાઓ લઈને રાજીનામુ આપી દીધું છે અને અધિકારીઓએ જણાવ્યું કે હાલ આ જસ્મીન રાઠોડ પીએમઆઈ કંપનીના પ્રતિનિધિ તરીકે કામ કરે છે! આ બાબતથી કમિશનર પણ ચોંકી ઉઠયા હતા પરંતુ, પગલા કોઈ લેવાયા નથી.  રાજકોટમાં 100 CNG બસ અગાઉ ડીઝલ બસ ચલાવતી તે જ અમદાવાદની મારૂતિ એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે જ્યારે 114 ઈલેક્ટ્રીક બસો પૈકી 40 બીઆરટીએસરૂટની બસો માટે નારાયણ નામની એજન્સીને અને 74 બસો માટે વિશ્વમને કોન્ટ્રાક્ટ અપાયેલ છે અને આ બન્ને કંપનીઓ દિલ્હીની બસ ઉત્પાદક કંપની પીએમઆઈ સાથે જોડાયેલ છે અને સિટી બસ ચલાવવામાં બહુ અનુભવ નહીં હોવાનું જાણવા મળ્યું છે. 

Tags :