આવતીકાલે પાલિકા કમિશ્નર નાણાકીય વર્ષ 2023-24નું રીવાઈઝ બજેટ અને નાણાકીય વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજુ કરશે
- આ નાણાકીય વર્ષમાં કેપીટલ ખર્ચ ત્રણ હજાર કરોડ ને પાર કરી જશે
- પાલિકાની બજેટમાં ગ્રાન્ટનો ફાળો મોટો રહેશે: આગામી વર્ષ ચુંટણીનું હોવાથી વેરામાં વધારો થાય તેવી શક્યતા નહીવત
Image Source: Freepik
સુરત, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર
સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2023-24નું રીવાઈઝ બજેટ અને નાણાકીય વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ આવતીકાલે મ્યુનિ. કમિશનર આવતીકાલ સોમવારે રજૂ કરવા જઈ રહ્યા છે. સુરત પાલિકાનું બજેટ અને વિકાસના કામોમાં ગ્રાન્ટ નો ફાળો મહત્વનો રહેશે આ ઉપરાંત આ વર્ષમાં પાલિકાના વિકાસના કામો એટલે કે કેપીટલ ખર્ચ ત્રણ હજાર કરોડથી વધુનો થાય તે માટે તેવી શક્યતા છે આ ઉપરાંત આગામી વર્ષે કેપીટલ કામો માટે 3500 કરોડની જોગવાઈ કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2023-24નું ડ્રાફ્ટ રજુ કર્યા બાદ હાલમાં કેપીટલ કામ રેકર્ડ બ્રેક ત્રણ હજાર કરોડની આસપાસ પહોંચી ગયાં છે જે એક રેકર્ડ થશે. છેલ્લા પંદર દિવસથી પાલિકા કમિશ્નર વિવિધ વિભાગના વડા અને ઝોન સાથે બેઠક કરીને રિવાઈઝ બજેટ અને ડ્રાફ્ટ બજેટ ને આખરી ઓપ આપી રહ્યા હતા. ત્યાર બાદ આવતીકાલે પાલકાના સાયન્સ સેન્ટર ખાતે નાણાકીય વર્ષ 2023-24નું રીવાઈઝ બજેટ અને નાણાકીય વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીનું વર્ષ હોય પાલિકાના બજેટમાં વેરામાં કોઈ વધારો થાય તેવી શક્યતા નહીવત છે. આ ઉપરાંત આ વર્ષે કેપીટલ ખર્ચ ત્રણ હજાર કરોડ ને પાર કરી જાય તેમ હોવાથી આગામી વર્ષે 3500 કરોડના કેપીટલ કામોનો અંદાજ રાખવામાં આવે તેવી પણ પુરી શક્યતા છે. જોકે, આ વર્ષની જેમ પાલિકાની આવક ના મુખ્ય સ્ત્રોત તરીકે મિલ્કત વેરા ઉપરાંત વિવિધ ગ્રાન્ટ પર જ વિકાસના કામોનો આધાર રાખવામાં આવે તેવી પણ શક્યતા છે.