રૃા.2.50 લાખની લાંચ પકડાયેલા મ્યુનિ.ના ચીફ એકાઉન્ટન્ટ અને પિયુન રિમાન્ડ પર
તેજસ આરીવાલાએ સાળીના નામે ફાર્મ હાઉસ ખરીદવા બેંકમાંથી રૃા.2 કરોડ તથા પત્નીના નામે રૃા.13.51 લાખની લોન લીધી છે
બેંક ખાતા, લોકર, પોલીસીની તપાસ હાથ ધરાશે
સુરત
તેજસ આરીવાલાએ સાળીના નામે ફાર્મ હાઉસ ખરીદવા બેંકમાંથી રૃા.2 કરોડ તથા પત્નીના નામે રૃા.13.51 લાખની લોન લીધી છે
ઈલેકટ્રીક
કોન્ટ્રાક્ટરની 3 કરોડની ડીપોઝીટ પરત કરવા 2.50 લાખની લાંચની માંગણી
કરી એસીબીના છટકામાં આબાદ સપડાયેલા સુરત મ્યુ.કોર્પોરેશનના આરોપી ચીફ એકાઉન્ટન્ટ
તથા તેના પટાવાળાની એસીબીના તપાસ અધિકારીએ ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ
કરતાં કોર્ટે આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.
સુરત મ્યુ.કોર્પોરેશનમાં છેલ્લાં પાંચેક વર્ષોથી ઈલેકટ્રીક સ્ટ્રીટ લાઈટને લગતા મેઈન્ટેનન્સ ઓપરેશનના ફરિયાદી કોન્ટ્રાક્ટરે જમા કરાવેલી 3 કરોડની ડીપોઝીટ પરત મેળવવાના કાયદેસરના કામ માટે સુરત મહાનગર પાલિકાના આરોપી ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશચંદ્ર આરીવાલા(રે.સહજધામ રો હાઉસ,પરશુરામ ગાર્ડન પાસે,અડાજણ)એ રૃ.2.50 લાખની લાંચની માંગણી કરી હતી.જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઈ એસીબીને ફરિયાદ કરતાં ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં આરોપી તેજસ આરીવાલા તથા પટાવાળા લાલુભાઈ ભીખુભાઈ પટેલ(રે.મહાદેવનગર,નવાગામ ડીંડોલી) આબાદ સપડાઈ ગયા હતા.
ગઈકાલે નવસારી એસીબીના તપાસ અધિકારી પી.આઈ.બી.ડી.રાઠવાએ બંને આરોપીઓની લાંચ કેસમાં ધરપકડ કરી આજે પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી તેજશ પંચોલીએ જણાવ્યું હતું કે આરોપી તેજસ આરીવાલાએ પોતાની સાળી રીપલબેનના નામે વર્ષ-2020માં નવસારીના મોગાર ગામે નવ ગુંઠા ફાર્મ હાઉસ અન્ય ત્રણ ભાગીદારો સાથે મળીને ખરીદ્યુ છે.જે માટે એચડીએફસી,આઈસીઆઈસીઆઈ તથા બેંક ઓફ બરોડામાંથી બે કરોડની લોન લીધી છે.તથા આરોપીએ પોતાની પત્ની રીનાબેનના નામે ગંગાધરા બારડોલી ખાતેથી 13.51 લાખની લોન લીધી છે.જેથી બંને આરોપીઓના બેંક ખાતા,લોકર વીમા પોલીસીની તપાસ કરીને ભ્રષ્ટાચાર આચરીને કરેલા નાણાં રોકાણની તપાસ કરવાની છે.આરોપીઓએ એકબીજાના મેળાપિપણામાં અન્ય લોકોને પોતાની લાંચીયાવૃત્તિનો ભોગ બનાવ્યા છે કે કેમ?પુર્વ ઈતિહાસ તપાસવાનો છે.આરોપી ચીફ એકાઉન્ટન્ટ તથા બેલદાર લાલુ પટેલે અન્ય કોન્ટ્રાક્ટરના કામ કરાવવામાં કોની કોની પાસેથી લાંચ લીધી છે.અન્ય કર્મચારીઓ કે અધિકારીઓને ભાગ આપવાનો હતો કે કેમ ?આરોપીઓએ લાંચની માંગણી કરવા સંબંધી કરેલા ટેલિફોનિક વાતચીત અંગેની તપાસ કરવાની છે.જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને આવતીકાલે તા.14 ડીસેમ્બર સુધી એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.