સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાશે, નવી મતદાર યાદી બહાર પાડવામાં આવશે
Local Body Election 2025: ગુજરાતમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ ઝડપથી યોજવામાં આવે તેનો રસ્તો ક્લિયર કરવા માટે શહેરી વિકાસ વિભાગ પછી હવે પંચાયત વિભાગે 27 ટકા ઓબીસી અનામત બેઠકોના નોટિફિકેશન જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
રાજ્ય ચૂંટણી પંચ અનામત બેઠકો અને મતદાર યાદી તૈયાર કરશે
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે અનામત પ્રમાણે બેઠકોની ફાળવણી, વોર્ડરચના તેમજ રોટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મતદાર યાદીઓની સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે, જેની પ્રક્રિયામાં હજી એક મહિનાનો સમય લાગી શકે છે તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ડિસેમ્બર-જાન્યુઆરી દરમ્યાન યોજાય તેવી સંભાવના છે.
પંચાયત વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લા પંચાયત, ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની બેઠકો માટે રોટેશન જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત અને અન્ય તાલુકા પંચાયતોના અનામત રોટેશન ક્રમશ જાહેર કરવામાં આવશે, જેમાં ઓબીસીની 27 ટકા અનામત બેઠકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી બેઠકોની ટકાવારી 10 ટકા હતી, જેના કારણે અનેક વિવાદ ઉભા થયા હતા. ત્યારબાદ અદાલતના આદેશને પગલે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરી હતી, જેનો અહેવાલ સરકારને સુપરત કરવામાં આવ્યા પછી આ પ્રક્રિયા શરૂ થઇ હતી. હવે રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઇ શકી નથી. એ ઉપરાંત મુદ્દત વિતી ગઇ હોય તેવી પાલિકા અને પંચાયતો ઉપરાંત શહેરી વિસ્તારની 42 અને પંચાયતોની 42 મળીને કુલ 84 ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીઓ આવી રહી છે. થોડાં સમય પહેલાં શહેરી વિકાસ અને પંચાયત વિભાગ તરફથી ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હવે તેમાં સુધારા-વધારાના સાથે ફાઇનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યાં છે.
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે વિભાગો તરફથી અમને ફાઇનલ નોટિફિકેશન મળી જાય તે પછી જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવી મતદાર યાદી બહાર પાડવામાં આવશે અને આ પ્રક્રિયા એક મહિના થી દોઢ મહિના સુધીનો સમય લઇ શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ ડિસેમ્બર-જાન્યુઆરી દરમ્યાન ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે.