વડોદરાના ઘાઘરેટીયા ખાતેના ચાર ઢોરવાડા સહિત દબાણો પાલિકા તંત્રએ તોડી પાડ્યા
Vadodara Corporation : વડોદરા શહેરના છેવાડે આવેલા ઘાઘરેટીયા ખાતે ઉભા કરાયેલા ચાર ઢોરવાડા આજે પાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
શહેરના સોમા તળાવ પાસે આવેલ ઘાઘરેટીયા વિસ્તારમાં કેટલાક ગૌપાલકો દ્વારા અહીં ગેરકાયદેસર રીતે ઢોરવાડા ઉભા કરી દેવામાં આવ્યા હતા. થોડા દિવસ પૂર્વે પાલિકા દ્વારા અહીંના ઢોરવાડાના સંચાલકોને નોટિસ આપી જરૂરી કાગળ રજૂ કરવાની તાકીદ કરવામાં આવી હતી. પરંતુ તેઓએ યોગ્યતા અંગેના કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. આજે સવારે પાલિકાની ઢોર ડબ્બાની ટીમ માર્કેટ સુપ્રીટેન્ડન્ટ ડો.પંચાલની આગેવાનીમાં અહીં પહોંચી હતી. જ્યાં ઢોરવાડાના સંચાલકો પાસે લાઇસન્સ સહિતની મંજૂરી ન હોવા મામલે કાર્યવાહી કરતા અહીંથી ચાર ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા હતા અને પાલિકાની જગ્યામાં ઊભું કરાયેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ફતેપુરાથી સંગમ ચાર રસ્તા જવાના માર્ગ પર પાલિકા દ્વારા પાણી-ગટર અંગેની કામગીરી ચાલી રહી છે. જેની પાસે ચાર ઝુપડા ઉભા કરવામાં આવ્યા હતા. તંત્રએ આજે તે દૂર કર્યા છે.