ભરૂચમાં કોંગ્રેસ-AAP વચ્ચે વિવાદ! મુમતાઝ પટેલે કહ્યું- 'ચૈતર વસાવાએ મને પ્રચાર માટે બોલાવી નથી અને હું ગઈ પણ નથી'
Lok Sabha Elections 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. દિલ્હીના નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. ભરૂચ બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે ડેડિયાપાડામાં રોડ શો યોજ્યો હતો. ત્યારે હવે ભરૂચ બેઠક પર પ્રચારને લઈને કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે મોટું નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 'I.N.D.I.A.' ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. ત્યારથી મુમતાઝ પટેલ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ચૈતર વસાવાએ મારું સમર્થ માંગ્યું નથી : મુમતાઝ પટેલ
નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈના સમર્થનમાં પ્રચાર કરવા સુરત પહોંચેલા મુમતાઝ પટેલે ચૈતર વસાવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. મુમતાઝ પટેલે કહ્યું કે, 'હું ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરું. મેં ભરૂચમાં પ્રચાર નથી કર્યો. પહેલીવાર એવું બનશે કે કોંગ્રેસ માટે વોટ કરવા નહીં મળે. કોંગ્રેસે આ બેઠક પરથી લડવાનું હતું પણ તે નથી લડી તે દુઃખની વાત છે. મને ચૈતર વસાવાએ પ્રચાર માટે બોલાવી નથી અને હું ગઈ પણ નથી. ચૈતર વસાવાએ મારું સમર્થ માંગ્યું નથી. કદાચ એમને જરૂર નથી. હું એક મહિનાથી ભરૂચ નથી ગઈ.' મુમતાઝ પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ ચૈતર વસાવાથી નારાજ છે. તેમણે વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસને ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી.'
જોઈ વિચારીને નિવેદનો આપવા જોઈએ : મુમતાઝ પટેલ
કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ પર મુમતાઝ પટેલે કહ્યું હતું કે, 'ચૂંટણીના નિવેદનોમાં જોઈ વિચારીને નિવેદનો આપવા જોઈએ. મહાત્મા ગાંધી દુનિયાના નેતા છે અને રાહુલ ગાંધી દેશના નેતા છે. મહાત્મા ગાંધી તેમની જગ્યાએ અને રાહુલ ગાંધી તેમની જગ્યાએ છે.'
મહત્વનું છે કે, નવસારી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈની સુરતના ઉધના દરવાજાથી મદીના મસ્જિદ સુધીની પદયાત્રા ગઈકાલે (2જી મે) યોજાઈ હતી. જે પદયાત્રામાં સ્ટાર પ્રચારક મુમતાઝ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.