જાત્રાએથી પરત ફરતા મુંબઈની મહિલાએ 10.20 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી
Image Source: Freepik
પાલીતાણા એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં ઊંઘી ગયેલી એક મહિલાના પર્સની ચોરી કરી ચોરોએ પર્સમાંથી 10.20 લાખ કિંમતની મત્તા ચોરીને પર્સ શૌચાલયમાં નાખી દીધું હતું.
વેસ્ટ મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં આવેલ પરમાનંદ પવનમાં રહેતા રીટાબેન દેવેન્દ્રભાઈ મહેતાએ રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.21 ના રોજ સાંજે મારા પતિ અને દીકરીઓની સાથે મુંબઈથી ટ્રેનમાં બેસી પાલીતાણા ખાતે જાત્રાએ ગઈ હતી અને જાત્રા પૂર્ણ થતાં સોનગઢ ભાવનગરથી ટ્રેનના એસી કોચમાં બેસી અમો પરત મુંબઈ જતા હતા.
રાત્રે 11:00 વાગે હું મારું કાળા કલરનું પર્સ સીટ ઉપર માથાની બાજુમાં મૂકી ઊંઘી ગઈ હતી. તા. 24 ની રાત્રે 2:00 વાગે ટ્રેનના ટીટીઇએ મારી સીટ પાસે આવીને જણાવેલ કે તમારૂ પર્સ ચોરી થયું છે જે બાથરૂમમાં પડ્યું છે. બાથરૂમમાં જોતા તેમાં આધાર કાર્ડ છે જેથી હું તમને કહું છું.
બાદમાં મેં શૌચાલયમાં જઈને જોતા તે ખાલી હતું અને અંદર મુકેલ દસ્તાવેજો વેર વિખેર પડેલા હતા. આ પર્સમાં રોકડા રૂપિયા 70,000 તેમજ આઠ લાખ કિંમતનો હીરાના પેન્ડલ સાથેનો સોનાનો હાર અને ગોલ્ડન કલરનો દોઢ લાખ કિંમતનો iphone મળી કુલ 10.20 લાખની કિંમતી વસ્તુઓ હતી ઉપરોક્ત વિગતોના આધારે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.