જેતપુરની ડાઈંગ સાથે મુંબઈની પેઢીએ 75 લાખની કરી છેતરપિંડી
જેતપુર : મુંબઈના એક વેપારીએ જેતપુરના સાડીના એક કારખાનેદાર પાસે સાડીઓનું જોબવર્ક કરાવી ૭૫,૮૨,૪૬૧ રૂપિયા બાકી નીકળતી લેણી રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
નકકી થયેલી વ્યાપારિક શરત મુજબ મુદત હરોળ મોટી રકમ ન ચૂકવતા વિશ્વાસઘાતની ફરિયાદ
શહેરના સુદામા નગરમાં રહેતા શૈલેષભાઇ શીંગાળાના મોટાભાઇ હરેશભાઇ બીમાર હોવાથી તેઓએ બળદેવધાર વિસ્તારમાં આવેલ મિશ્વા પ્રિન્ટ નામના સાડીના કારખાનાનું કુલમુખત્યારનામું શૈલેષભાઇના નામે કરી આપ્યું હતું. જેથી શૈલેષભાઇ મિશ્વા પ્રિન્ટનું તમામ કામ સંભાળતા જેમાં દસેક વર્ષ પૂર્વે મુંબઈના વિકાસ ટ્રેડિંગના માલીક ગોવિંદ વિશ્વનાથ રોયને હરેશભાઈ સાથે સાડીના કાચા મટીરીયલ સામે જોબવર્ક કરી તે ગોવિંદભાઇ કયે તે પાર્ટીઓને મોકલાવી આપવાનું નક્કી થયેલ અને તે મુજબ કારખાનેદાર જોબવર્ક વાળો માલ મોકલાવતા પણ હતાં. જેમાં સાતેક વર્ષ જોબવર્કના તમામ પૈસા ગોવિંદભાઇ તરફથી સમયસર ચૂકવાય જતા હતા.
પરંતુ વર્ષ ૨૦૨૧થી જોબવર્ક પેટે નીકળતી રકમ ચુકવવામાં મોડું થવા લાગ્યું જેમાં એક સમયે તો જોબવર્ક પેટે નીકળતી રકમ ૨,૬૫,૯૫,૬૨૭ રૂપિયા જેટલું લહેણું થઈ ગયું હતું. અને કરારમાં કોઈ પણ પેઢીનું જોબવર્ક કરે એટલે ૯૦ દિવસમાં પેમેન્ટ લઈ લેવાનો નિયમ હતો. જેમાં પોણા ત્રણ કરોડ જેટલી રકમ થઈ જતા વિકાસ ટ્રેડિંગ પાસે અનેકવાર ઉઘરાણી કરતા ૧,૮૮,૧૩,૧૬૬ રૂપિયા કટકે કટકે ચૂકવી આપ્યા હતા. હવે બાકી નીકળતા ૭૫,૮૨,૪૬૧ માટે બે વર્ષ વર્ષથી ઉઘરાણી કરવા છતાં વિકાસ ટ્રેડિંગના માલિક ગોવિંદભાઇ દ્વારા તમો અમારો માલ છાપતા રહો અમો તમને તમારી નીકળતી રકમ હપ્તે હપ્તે આપી દઈશું તેમ કરી એક વર્ષ સુધી ૫૦ હજાર જમા કરાવ્યા હતા. પરંતુ હવે તે પણ બંધ કરી દીધું હતું. જેથી ઉઘરાણી માટે અનેક ફોન કરેલ હતા. ત્યારબાદ નોટીસ આપેલ તો પણ નીકળતી રકમ પરત ન આપતા અને ફોન પણ રિસીવ ન કરતા શૈલેષભાઇ દ્વારા વિકાસ ટ્રેડિંગના માલીક ગોવિંદભાઇ રોય સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.