Get The App

યુનિ.ના સંશોધકોએ ડિઝાઈન કરેલી મલ્ટીપર્પઝ ચેરને પેટન્ટ મળી

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
યુનિ.ના સંશોધકોએ ડિઝાઈન કરેલી મલ્ટીપર્પઝ ચેરને પેટન્ટ મળી 1 - image

વડોદરાઃ ડિઝાઈન, કોમર્સ, આર્કિટેકચર, કોમ્પ્યુટર સાયન્સના સંશોધકોએ સંયુક્ત પ્રોજેકટના ભાગરુપે બનાવેલી મલ્ટીપર્પઝ ચેરની અનોખી ડિઝાઈનને જોતા ભારત સરકારના પેટન્ટ વિભાગ દ્વારા તેને પેટન્ટ એનાયત કરાઈ છે.સંશોધકોનો દાવો છે કે, એકથી વધારે ક્ષેત્રના તજજ્ઞાોએ ભેગા મળીને બનાવેલી આ ચેર બેસવામાં વધારે આરામદાયક,  અસરકારક અને આકર્ષક છે.તેના પર લાંબો સમય સતત બેસી શકાય છે.

એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના અધ્યાપકો ડો.સરજૂ પટેલ, શ્રૃતિ ચૌધરી, ટેકનોલોજી ફેકલ્ટીના આર્કિટેકચર વિભાગના ડો.ચૈતાલી ત્રિવેદી, કોમર્સ ફેકલ્ટીના ડો.પરાગ શુકલા અને વાસદની એસવીઆઈટી કોલેજના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી કુશ પટેલે આ મલ્ટીપર્પઝ ચેરની ડિઝાઈનના પ્રોજેકટ સાથે સંકળાયેલા છે.

સંશોધકો પૈકીના એક ડો.સરજૂ પટેલ કહે છે કે, આ ચેરમાં એકથી વધારે સ્ટોરેજ સ્પેસ પણ રાખવામાં આવી છે.જ્યાં બેસનાર વ્યક્તિ પોતાની ઘણી વસ્તુઓ મૂકી શકે છે.આ ચેર  સ્કૂલ, કોલેજ, સેમિનાર રુમ, કોન્ફરન્સ હોલ એમ તમામ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય તેવી છે.પહેલી સ્ટોરેજ સ્પેસ ખુરશીની પાછળના ભાગમાં છે.ચેરનો ઉપયોગ કરનાર વ્યક્તિ તેમાં ફાઈલ, બૂક જેવી વસ્તુઓ રાખી શકે છે.ખુરશીના બે તરફના હાથાની નીચે બીજી સ્ટોરેજ સ્પેસમાં  ખુરશી પર બેસનાર વ્યક્તિ પોતાના પુસ્તકો, નોટપેડ અને બીજી સ્ટેશનરી રાખી શકે છે.

ત્રીજી સ્ટોરેજ સ્પેસ ખુરશીની ગાદીની નીચેના હિસ્સામાં રખાઈ છે જ્યાં વ્યક્તિ પોતાની બેગ જેવી વસ્તુઓ મોટી શકે છે.ખુરશીની સાથે એક લાકડાનો ચોરસ ટુકડો જોડવામાં આવ્યો છે.જે લખવા માટે ડેસ્કની ગરજ સારી શકે છે.

બેસવામાં આરામદાયક, હળવા સ્ટીલનો ઉપયોગ કરાયો હોવાથી ઓછું વજન 

સંશોધકોના કહેવા પ્રમાણે આ ચેર હળવા સ્ટીલમાંથી પાવડર કોટેડ ફિનિશ સાથે બનાવાઈ છે.જેથી તેનું વધારે વજન પણ નથી.તેની સીટ અને બેકને રેક્ઝિન ફિનિશિંગ અપાયું છે.સ્ટોરેજ સ્પેસ બનાવવામાં લાકડાની ફ્રેમ અને માઈલ્ડ સ્ટીલ બાસ્કેટનો ઉપયોગ કરાયો છે.આમ આ ચેર બજારમાં સરળતાથી ઉપલબ્ધ મટિરિયલમાંથી બની છે.અર્ગોનોમિક્સ ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આ ચેર પર વ્યક્તિ આરામદાયક રીતે લાંબા સમય સુધી બેસી શકે તેમ છે.


Google NewsGoogle News