ચૂંટણી વગર સાંસદ બનેલા મુકેશ દલાલ સુરત અને ભાજપના પ્રથમ નેતા
સુરત બેઠક પર 75 કલાકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ
- ટેકેદારો ગાયબ થઇ જતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાયા પછી ત્રણ અપક્ષ સહિત આઠ ઉમેદવારી ફોર્મ નાટયાત્મક રીતે પરત ખેંચાઇ ગયા
- બહુજન સમાજ પાર્ટીના એક ઉમેદવાર પ્યારેલાલ ભારતી ગાયબ થતા ભાજપનું ટેન્શન વધી ગયું હતું, જોકે બપોરે બે વાગ્યે આ ઉમેદવાર પ્રગટ થયા અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને જતા રહ્યા
સુરત
સુરત
શહેર લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણીથી લઇને છેલ્લે જિલ્લા કલેકટરે ભાજપના ઉમેદવાર મુકેશ
દલાલને બિનહરીફ જાહેર કરે ત્યાં સુધીના ૭૫ કલાક સુધી ચાલેલા હાઇવોલ્ટ્રેજ રાજકીય ડ્રામાનો
આખરે અંત આવ્યો છે. આજે અપક્ષ તેમજ અન્ય પક્ષો મળીને આઠ ઉમેદવારી ખેંચી લેતા ભાજપના
મુકેશ દલાલ ફકત સુરત બેઠક તેમજ ભાજપના ઇતિહાસમાં પ્રથમ બિનહરીફ વિજેતા સાંસદ બન્યા
છે. અને સુરત તેમજ ભાજપના નામે એક અનોખો રેકોર્ડ થયો છે.
સુરત જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને સવા ત્રણ વાગ્યે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સતાવાર બિનહરીફ જાહેર કર્યા હતા. સમ્રગ દેશની લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી યોજાઇ તે પહેલા જ સુરતના ભાજપના ઉમેદવાર પ્રથમ સાંસદ બની ગયા છે.
સુરત લોકસભા બેઠક પરથી ૧૫ ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ગત ૨૦ મી એપ્રિલે શરૃ થયેલી ફોર્મ ચકાસણી વખતે જ ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને મી ઉમેદવારના ચાર ટેેેકેદારો જેન્યુઇન નથી તેવો વાંધો ઉઠાવ્યો હતો. તો નિલેશ કુંભાણીના દરખાસ્ત કરનારા તેમના સગા, મિત્રો હોવા છતા તે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઇને ફોર્મમાં તેમની સહી નથી તેવી એફેડેવીટ કરી હતી. વધુમા ંડમી ઉમેદવારના ટેકેદારે પણ પોતાની સહી ન હોવાનું કહ્યું હતું. જેથી ધમાચકડી મચી હતી.
ચૂંટણી પંચે કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપી તેડાવ્યા હતા. પણ તેમના બધા જ ટેકેદારો ગાયબ થઇ ગયા હતા. તેમનું અપહરણ થયું છે એમ કોંગ્રેેસે આક્ષેપ કર્યો હતો. દરમિયાન અહીથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી રવાના થઇ ગયા હતા. કોંગ્રેસના વકીલોએ અરજી કરીને સમય માંગ્યો હતો. જેથી રવિવારે સવારે ૯ વાગ્યે સુનાવણી રાખીને ટેકેદારોને હાજર કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. ૧૧ વાગ્યે નિર્ણય જાહેર થવાનો હતો. નિલેશ કુંભાણીએ વકીલો સાથે હાજર થઇને રજૂઆતો કરી હતી. ત્યારબાદ પાછલા દરવાજેથી રવાના થઇ ગયા હતા. બીજી તરફ ચૂંટણી અધિકારી સમક્ષ તેમના વકીલો ઝમીર શેખ અને બાબુ માંગુકીયા સાથે જ ભાજપના વકીલ હુકમની રાહ જોતા બેસી રહ્યા હતા. આખરે બપોરે ૧.૩૦ વાગ્યે ઉમેદવારની દરખાસ્ત કરનારાઓની સહીઓમાં વિસંગતતાઓ હોવાથી કોગ્રેસના મુખ્ય ઉમેદવાર અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ કરતો હુકમ કરાયો હતો.
જેને પગલે ત્રણ અપક્ષ અને અન્ય નાના પક્ષ મળીને કુલ આઠ ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા. જેથી ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા બને તે માટે આખી રાત તડજોડ ચાલી હતી. અને આજે સોમવારે ઉમેદવારની ફોર્મ ખેંચવાના દિવસે પણ ડ્રામા સર્જાયો હતો. બપોર સુધીમાં ત્રણ અપક્ષ ઉમેદવાર રમેશ પરસોતમ બારૈયા, કિશોર ડાયાણી અને ભરત પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. ત્યારબાદ નાની પાર્ટીઓ સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટીના અબ્દુલ હમીદ શેખ, અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અજીતસિંહ ઉમટ, લોગ પાર્ટીના સોહેલ સલીમ શેખ તેમજ ગ્લોબલ રીપબ્લીક પાર્ટીના જયેશ મેવાડાએ ઉમેદવારી ફોર્મ ખેંચી લીધા હતા.
જોકે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર પ્યારેલ બુધ્ધુરામ ભારતી ચૂંટણી લડવાના હોય તેમ ચૂંટણી અધિકારીની કચેરીમાં આવ્યા નહોતા. જેને પગલે અહી ઉપસ્થિત ભાજપના નેતાઓના ચહેરા પર ટેન્શન સ્પષ્ટ નજરે પડી રહ્યુ ંહતું. દરમિયાન સવા બે વાગ્યે ઉમેદવાર પ્યારેલાલ ભારતી હાજર થયા હતા અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારની બિનહરીફ જીતનો રસ્તો ખૂલી ગયો હતો.
આમ શનિવારે ૨૦ મી એપ્રિલે સવારના ૧૧ વાગ્યાથી લઇને સોમવાર બપોર સુધીના ૭૫ કલાક સુધી ચાલેલા હાઇ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો આજે અંત આવ્યો હતો. હવે દડો કોગ્રેસના હાથમાં છે કે કેમકે સુરત બેઠક પુરતી આચાર સંહિતા દૂર થઇ હોવાથી જિલ્લા કલેકટરના હુકમ વિરુધ્ધ તેઓ કોર્ટમાં જઇ શકે છે.