દીવમાં મુજરા પાર્ટીઃ ગુજરાતના અનેક નેતાઓને રંગેહાથ ઝડપી પાડ્યા બાદ હવે હોટલ પણ સીલ કરાઈ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
દીવમાં મુજરા પાર્ટીઃ ગુજરાતના અનેક નેતાઓને રંગેહાથ ઝડપી પાડ્યા બાદ હવે હોટલ પણ સીલ કરાઈ 1 - image


Mujra Party in Diu : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ધ તુલીપ હોટલમાં ચાલતી રેવ પાર્ટીમાં પોલીસે ગઈકાલે દરોડો પાડ્યો હતો અને ભાજપ નેતાઓ સહિત 11ની ધરપકડ કરી હતી, ત્યારે આજે હવે દીવ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરી ધ તુલીપ હોટલને સીલ કરી દેવામાં આવી છે. ગઈકાલની રેડમાં પોલીસે ડાન્સ અને દારૂની મહેફિલ માણતા દસ પુરુષો, આઠ મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડરને પકડી કાર્યવાહી કરી હતી.

ગેરકાયદેસર પ્રવૃતિ કરતી ધ તુલીપ હોટલને સીલ

પ્રાપ્ત થતી વિગતો મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આવેલી હોટેલ તુલિપમાં પોલીસની ટીમ ગઈકાલે દરોડો પાડ્યો હતો અને ડીજેના તાલ પર નાચતી ડાન્સર્સ પર રૂપિયા ઉડાડી મુજરાની મોજ સાથે રંગરેલિયા મનાવતાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના સાળા અને મહુવા નગરપાલિકાના ભાજપના નગરસેવક, અન્ય એક નગરસેવકના પિતા તથા મહુવા તાલુકા ભાજપના ઉપપ્રમુખ, જેસરના પૂર્વ સરપંચ  સહિત 11 શખસોની રંગેહાથ ધરપકડ કરી હતી, ત્યારે હવે આજે દીવ પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃતિ કરતી ધ તુલીપ હોટલને સીલ કરી દેવામાં આવી છે. પોલીસની રેડ દરમિયાન દારૂ, બિયર તથા રોકડ સહિતના મસમોટા જથ્થો ઝડપી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે, આ બનાવની જાણ વાયૂવેગે ભાવનગર પંથકમાં થતાં ભાવનગર જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. 

ડીજેના તાલે નાચતી ડાન્સર્સ પર રૂપિયાનો વરસાદ, પોલીસે રંગમાં ભંગ પાડયો

ભાવનગર જિલ્લા ભાજપના રાજકારણમાં ખળભળાટ મચાવતાં અને દીવ પોલીસ દફતરે નોંધાયેલાં બનાવની ઉપલબ્ધ વિગતો એવી છે કે, ગત 6 સપ્ટેમ્બરે શુક્રવારના રોજ રાત્રિના સુમારે દીવ પોલીસની ક્રાઈમ ટીમને બાતમી મળી હતી કે, દીવમાં આવેલી એક મસ્જિદ પાસે આવેલી હોટેલ તુલિપમાં ગેરકાયદે અશ્લિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસ કાફલાએ દરોડો પાડતાં હોટેલમાં ડીજેના મોટા અવાજ સાથે ચાલતાં નાચગાન-પાર્ટીમાં આશરે આઠ મહિલાઓ દ્વારા અશ્લિલ નૃત્ય પ્રદર્શન પીરસતી હતી. અને 10થી વધુ પુરૂષો તેમના પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. 

જો કે,પોલીસને જોઈ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પર હાજર 11 પુરૂષો, 8 મહિલા અને એક ટ્રાન્સઝેન્ડરને રાઉન્ડઅપ કર્યા હતા. સાથે જ પોલીસે સ્થળ પરથી દારૂ, બિયર તથા રોકડા રૂ.40,640 સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.પોલીસે હોટેલમાં હોટલમાં દારૂ રાખવા અને નૃત્ય કરવા માટેની પરવાનગી કે પરમીટ માંગી હતી. જેમાં હોટેલના મેનેજરે હોટલ પાસે અશ્લિલ પ્રવૃત્તિઓ અને દારૂ માટે કોઈ પરમિટ ન હોવાનું જણાવ્યું હતું. જેના આધારે દીવ પોલીસે ગત 7 સપ્ટેમ્બરે ભાવનગર-મહુવા પંથકના સાત સહિત 11 શખસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.

ઉલ્લેખનીય છે કે,  આ રંગેલિયામાં ઝડપાયેલાં 11પૈકી કિરણ લિંબાભાઈ રાઠોડ (ઉ.વ.33, રહે. શાંતિનગર, મહુવા) રાજ્યના પૂર્વ મંત્રી, મહુવાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર. સી. મકવાણાનો સાળો તથા મહુવા નગરપાલિકામાં વોર્ડ નં.7નો ભાજપનો નગરસેવક હોવાનું ખુલતાં સ્થાનિક ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 

જયારે, તેની સાથે ઝડપાયેલાં અન્ય એક શખસ હિંમત ચકરભાઈ મકવાણા (રહે.કુંભારવાડા,મહુવા) હાલ મહુવા તાલુકા ભાજપના ઉપપ્રમુખ તથા મહુવા નગરપાલિકાના પૂર્વ નગરસેવક હોવાનું ખુલ્યું છે. હાલ તેના પુત્ર પણ ભાજપનો નગરસેવક હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળેલ છે. આ સાથે જેસરના પૂર્વ સરપંચ રાજા નાગજીભાઈ ઝાલા પણ આ દોરાડામાં ઝડપાયા હતા. 

આ બનાવે અંગે પોલીસ કાર્વાહીનો વીડિયો ભાવનગર જિલ્લાના વિવિધ ગ્રુપમાં વાયરલ થતાં ભાવનગર જિલ્લા ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ, આ બનાવમાં ખુદ જિલ્લા પ્રમુખના સાળા સહિતના ઝડપાયા હોય જિલ્લા ભાજપ સંગઠન કે મોવડી મંડળ જવાબદારો વિરૂદ્ધ પગલાં લેશે કે કેમ? તે મુદ્દે ભાજપમાં છાનાખૂણે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. 

હોટેલમાંથી કોણ કોણ ઝડપાયું

1) સિકંદર સલિમભાઈ કુરેશી (રહે.રાબેરી રોડ, દીવ) 

2) મુકેશ અમરસિંઘ સોલંકી (રહે. મચ્છીવાડા, દીવ) 

3) મનોજ શામજીભાઈ કાપડિયા (રહે. બેડીપરા, રણછોડનગર, રાજકોટ) 

4) ઈરફાન હરિફભાઈ શેખ (રહે.રૈયાધાર,શાંતિનગર ચોક, રાજકોટ)

5) કિરણ લિંબાભાઈ રાઠોડ(રહે.શાંતિનગર,મહુવા,જિ.ભાવનગર) 

6) અરૂણ રેવાશંકર જોષી (રહે.નેસવડ, તા.મહુવા, જિ.ભાવનગર) 

7) રાજા નાગજીભાઈ ઝાલા (રહે.ગાયના ગોંદરા પાસે, જેસર, જિ.ભાવનગર) 

8) અકિલ અનિશહુસૈન નકવી(રહે.ભાદ્રોડ ગેટ,મહુવા, જિ.ભાવનગર) 

9) ભાવેશ અકાભાઈ પરમાર(રહે.ભાદ્રોડ, મહુવા,જિ.ભાવનગર) 

10) હિંમત ચકરભાઈ મકવાણા (રહે.કુંભારવાડા, મહુવા, જિ.ભાવનગર) 

11) હિતેષ વલ્લભભાઈ આહીર (રહે.ઓથા, મહુવા, જિ.ભાવનગર) 

પોલીસે સ્થળ પરથી દારૂ, બિયર અને રોકડ જપ્ત કરી 

પોલીસે સ્થળ પરથી બિયરના ખાલી અને ભરેલાં કેન, વ્હાઈટ વ્હીસકીની બોટલો, એક લેપટોપ, એક સ્પીકર, એક મિક્સચર, એક માઈક્રોફોન, એક ડિસ્કોલાઈટ તથા રોકડ રૂ.40,640 ના મૂલ્યની ભારતીય ચલણની વિવિધ ચલણી નોટ કબજો કરી હતી.


Google NewsGoogle News