મુજમહુડાની ખાનગી ફાઇનાન્સ કંપની એ લોનના નામે અનેક લોકોને ફસાવ્યા, ઓફિસને તાળા
વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાઈનાન્સ પેઢીના સંચાલકોએ લોન આપવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો સાથે લોકો ઓફિસે ઉમટી પડ્યા હતા.
મુજ મહુડા ના સિગનેટ હબ ખાતે આવેલી મની સોલ્યુશન નામની ઓફિસના સંચાલકો સામે લોકોએ આરોપ લગાવ્યા હતા કે, અમને નાની મોટી લોનની જરૂર હોવાથી ઓફિસના સંચાલક રાજીવ ચોબેનો સંપર્ક કર્યો હતો. અમારી પાસે ડોક્યુમેન્ટ મેળવીને વાઘોડિયા રોડ બાપોદ વિસ્તારની ખાનગી બેંકમાં લઈ જવામાં આવ્યા હતા. અમને લોન પેટે જે રકમ મળી છે તેનાથી અનેક ગણી વધુ રકમ ની લોન દેખાડવામાં આવી રહી છે.
એક મહિલાએ કહ્યું હતું કે રૂ. બે લાખની લોન સામે માત્ર 40,000 રૂપિયા મને આપ્યા હતા. હવે મારી પાસે ઉઘરાણી કરવામાં આવી રહી છે. જ્યારે એક યુવાકે કહ્યું હતુંકે, મને 20,000 રૂપિયા મળ્યા હતા જેની સામે હવે 70,000 ની લોન દેખાડવામાં આવી રહી છે.
આમ જે લોકોને રકમ મળી છે તેનાથી અને ઘણી વધુ રકમની લોન દેખાડવામાં આવી રહી છે અને લોનની રકમ માટે બેંકો દ્વારા ઉઘરાણી કરવામાં આવી રહી છે. પરંતુ અમને લોન અપાવનાર ફાઇનાન્સ કંપનીના સંચાલકો સરખો જવાબ આપતા નથી અને હવે ઓફિસ પણ બંધ કરી ફોન લેતા નથી. આ અંગે અગાઉ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસ તરફથી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.