એમ.એસ.યુનિ.ને નવા વીસીની નિમણૂક માટે રાહ જોવી પડશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીને નવા વાઈસ ચાન્સેલર માટે રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે.મળતી વિગતો પ્રમાણે વાઈસ ચાન્સેલરની પસંદગી કરવા માટેની સર્ચ કમિટિની સર્ચ હજી સુધી પૂરી થઈ રહી નથી.સર્ચ કમિટિની કાર્યવાહીમાં થઈ રહેલા વિલંબે તરેહ-તરેહના તર્ક વિતર્ક સર્જયા છે.
મળતી વિગતો પ્રમાણે શૈક્ષણિક લાયકાતના મુદ્દે વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપનાર ડો.વિજય શ્રીવાસ્તવની ટર્મ આમ તો ૯ ફેબુ્રઆરીએ પૂરી થવાની હતા.આ પહેલાની સર્ચ કમિટિએ તત્કાલિન વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસની મુદત પૂરી થઈ તેના પહેલા જ વાઈસ ચાન્સેલરની પસંદગી કરી લીધી હતી અને તેના કારણે પ્રો.વ્યાસની તા.૯ ફેબુ્રઆરી, ૨૦૨૨૨ના રોજ મુદત પૂરી થઈ તે જ દિવસે ડો.શ્રીવાસ્તવે ચાર્જ સંભાળ્યો હતો.
જોકે વર્તમાન સર્ચ કમિટિને નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવાની કોઈ ઉતાવળના હોય તેમ લાગે છે.સર્ચ કમિટિએ હજી સુધી તો બાયોડેટા પણ શોર્ટ લિસ્ટ નહીં કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.કોઈ ચોક્કસ કારણસર સર્ચ કમિટિ તો વિલંબ કરી જ રહી છે પરંતુ સરકારના શિક્ષણ વિભાગને પણ સર્ચ કમિટિની કાર્યવાહી ઝડપી થાય તેમાં રસ હોય તેવું લાગતું નથી.યુનિવર્સિટીમાં એવી પણ ચર્ચા છે કે, શિક્ષણ વિભાગના માનીતા ગણાતા ડો.શ્રીવાસ્તવને વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપવું પડયું તેનો ગુસ્સો હવે શિક્ષણ વિભાગ યુનિવર્સિટી પર ઉતારી રહ્યું છે.
વીસી, રજિસ્ટ્રાર, નવ ડીન અને ૭૦ હેડ ઈન્ચાર્જ
અત્યારે યુનિવર્સિટીનું સંચાલન ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર કરી રહ્યા છે.વાઈસ ચાન્સેલરની સાથે રજિસ્ટ્રાર પણ ઈન્ચાર્જ છે.યુનિવર્સિટીના નવ ડીનો પણ ઈન્ચાર્જ છે અને ૭૦ જેટલા વિભાગોના હેડ પણ ઈન્ચાર્જ છે.આમ છતા શિક્ષણ વિભાગને એમ.એસ.યુનિવર્સિટીની કોઈ પડેલી નથી.
ડો.શ્રીવાસ્તવની વીસીના બંગલોમાં રહેવાની મુદત આજે પૂરી થશે
પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવને વાઈસ ચાન્સેલરનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે મળેલું એક મહિનાનું એક્સ્ટેન્શન આવતીકાલ, તા.૮ ફેબુ્રઆરીએ પૂરુ થાય છે.વધારાનું એક્સ્ટેન્શન આપવા માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટે ઈનકાર કરી દીધો છે.યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કહ્યું હતું કે, મકાન ખાલી કરવા માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટે વધારાના સાત દિવસ પણ આપવાનું નક્કી કર્યું છે.