મૃતકના વિલમાં ઉલ્લેખ, અમેરિકાનો પરિવાર MSUને દોઢ લાખ ડોલર ડોનેટ કરશે
વડોદરાઃ અમેરિકામાં રહેતા ભારતીય પરિવારે એમ.એસ.યુનિવર્સિટીને દોઢ લાખ ડોલર( ભારતીય ચલણમાં લગભગ ૧.૩૦ કરોડ રુપિયા)નું ડોનેશન આપવાનો નિર્ણય કર્યો છે.
આ ડોનેશનમાંથી એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે ભંડોળ ઉભું કરવામાં આવશે.
યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, ન્યૂયોર્કમાં રહેતા આશિષ છાબરિયાએ અમારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, ન્યૂજર્સી ખાતે રહેતા મારા કાકી માયા છાબરિયાનું તાજેતરમાં નિધન થયું હતું અને તેમના વિલમાં એમ.એસ.યુનિવર્સિટીનો લાભાર્થી તરીકે ઉલ્લેખ થયેલો છે.
આશિષ છાબરિયાના સ્વર્ગવાસી પિતા બેહરીલાલ લિલારામ છાબરિયા અને તેમના સ્વર્ગવાસી કાકા ટીકારામ છાબરિયા( માયાબેન છાબરિયાના પતિ) એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી હતા.તેમણે ૧૯૫૮ થી ૧૯૬૨ દરમિયાન ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરીને કોન્સનટ્રેશન ઈન મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.
ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરનું કહેવું છે કે, માયાબેન છાબરિયાએ વિલમાં એમ.એસ.યુનિવર્સિટીને ડોનેશન આપીને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને માટે સ્કોલરશિપ સ્કીમ શરુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે પ્રમાણે ટેકનોલોજી ફેકલ્ટીમાં આર્થિક રીતે નબળા પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોય તેવા વિદ્યાર્થીઓને સહાય કરવા માટે સ્કોલરશિપ સ્કીમ શરુ કરવામાં આવશે.