યુનિ.ના સેંકડો વિદ્યાર્થીઓને જૂના પ્રશ્નપત્રો મળતા બંધ થઈ ગયા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પબ્લિકેશન યુનિટને મુખ્ય કેમ્પસમાંથી યુનિવર્સિટી પ્રેસમાં ખસેડવાના યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને સહન કરવાનો વારો આવ્યો છે.
યુનિવર્સિટીનુ પબ્લિકેશન યુનિટ અત્યાર સુધી મુખ્ય કેમ્પસમાં જનરલ એજ્યુકેશન બિલ્ડિંગની સામે આવેલા સિવિલ સર્વિસ સ્ટડી સેન્ટરમાં કાર્યરત હતું.પબ્લિકેશન યુનિટ દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ દ્વારા પ્રકાશિત થતું સાહિત્ય, સરકારી એજન્સીઓની ગ્રાંટમાંથી અધ્યાપકો દ્વારા લખાયેલા પુસ્તકો અને બીજા રિસર્ચ પેપરોનું વેચાણ કરવામાં આવે છે.તેની સાથે સાથે યુનિટ દ્વારા અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો પણ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ પ્રશ્નપત્રો નજીવી કિંમતે વિદ્યાર્થીઓ વેચાતા લઈ જતા હતા.જે તેમને પરીક્ષાની તૈયારી માટે કામ લાગતા હતા.વર્ષે લગભગ ૨ લાખ રુપિયાની આવક આ પ્રશ્નપત્રોના વેચાણ થકી થતી હતી.જોકે બે મહિના પહેલા પબ્લિકેશન યુનિટને યુનિવર્સિટી પ્રેસમાં ખસેડવાના નિર્ણય બાદ હવે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો મળતા બંધ થઈ ગયા છે.કારણકે મુખ્ય કેમ્પસમાંથી કીર્તિસ્તંભ ખાતે આવેલા પ્રેસ સુધી જવાનું મોટાભાગના વિદ્યાર્થીઓ ટાળે છે.જે થોડા ઘણા વિદ્યાર્થીઓ જૂના પ્રશ્નપત્રો લેવા માટે જાય છે તેમને પ્રેસમાં એન્ટ્રી આપવામાં આવતી નથી.કારણકે યુનિવર્સિટી પ્રેસમાં યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓના પ્રશ્નપત્રોનું પ્રિન્ટિંગ થતું હોય છે અને ત્યાં વિદ્યાર્થીઓની અવર જવર પર પહેલેથી પ્રતિબંધ છે.
મળતી વિગતો પ્રમાણે પ્રેસ સત્તાધીશોએ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રોનું વેચાણ કરવા માટે એક અલગ એન્ટ્રી આપવાનું સૂચન કરતા પત્ર રજિસ્ટ્રારને લખ્યો છે.જોકે તેના પર હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.