MSUમાં ભરતી કૌભાંડ: નિવૃત્તિના એક દિવસ અગાઉ જ વાઇસ ચાન્સેલરને શો કોઝ નોટિસ
વડોદરા, તા. 09 ફેબ્રુઆરી
ભરતી કૌભાંડના આક્ષેપ અંગે શહેરની એમ એસ યુનિ.ના વાઇસ ચાન્સેલરને રાજ્ય સરકારે શો કોઝ નોટિસ ફટકારી છે. આવતીકાલે પરિમલ વ્યાસની ટર્મ પૂરી થાય તે પહેલાં જ શો કોઝ નોટિસ થકી પરિમલ વ્યાસને 24 કલાકમાં જવાબ આપવા સરકારે તાકીદ કર્યું છે. આ અંગે સરકાર હજુ અન્ય લોકોને પણ શો કોઝ નોટિસ પાઠવી શકે છે.
શહેરની એમ એસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ મામલે રાજ્ય સરકારે તપાસ સમિતિ બનાવી છે, જે સમિતિના સભ્યોએ અગાઉ કમિટીના સભ્યોએ સતત બીજા દિવસે યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ સભ્યો, શિક્ષકો અને અધ્યાપકોના નિવેદનો લીધા હતા. તેમની પાસેથી ભરતીમાં થયેલી ગેરરીતિના પુરાવાઓ પણ મેળવ્યા હતા. એમ એસ યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટ સભ્યો અને ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખી ભરતી કૌભાંડની તપાસ કરાવવા માંગ કરી હતી. જેના આધારે સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રિન્સિપાલ એ એસ રાઠોડ અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પ્રિન્સિપાલ આર એમ મોડની બે સભ્યોની કમિટી બનાવી યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં તપાસ કરવાના આદેશ આપ્યા હતા. નોકરીમાંથી છુટ્ટા કરવામાં આવેલ શિક્ષિકાએ યુનિવર્સિટીમાં સગાવાદ ચાલતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.