પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવ પાછળ થયેલા ખર્ચની જાણકારી આપવામાં અખાડા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાન વડોદરા અને ભારત બહારના સ્થળોની લીધેલી મુલાકાત પાછળ થયેલા ખર્ચ સહિતની વિવિધ જાણકારી માગતી બે અરજી રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળ કરવામાં આવી છે.
જોકે આ બંને અરજીની જાણકારી આપવામાં યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને અધિકારીઓ અખાડા કરી રહ્યા હોવાની જાણકારી સામે આવી છે.મળતી વિગતો પ્રમાણે એક અરજી પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષી દ્વારા તા.૨૩ જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી અને આ જ પ્રકારની અન્ય એક અરજી એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના પ્રોફેસર સતીષ પાઠકે કરી હતી.
આ અરજીમાં ડો.શ્રીવાસ્તવે વડોદરા બહાર જેટલા સ્થળોની મુલાકાત લીધી હોય તેના મુસાફરી ખર્ચ, હોટલ કે બીજી જગ્યાએ રોકાવાના ખર્ચ, વાઈસ ચાન્સેલર તરીકે તેમને મળેલા પગાર અને બીજા એલાઉન્સ, તેમને અપાયેલી વિવિધ સુવિધાઓ પાછળના ખર્ચની જાણકારી માગવામાં આવી છે.
પ્રો.પાઠકે તો વાઈસ ચાન્સેલર તરીકેની તેમની શૈક્ષણિક લાયકાતને પડકારતી પિટિશનની હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન યુનિવર્સિટી દ્વારા વકીલો પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની પણ માહિતી માગી છે.
જોકે યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને બીજા અધિકારીઓએ હજી સુધી આ બંને આરટીઆઈનો જવાબ આપ્યો નથી.શિક્ષણ વિભાગના ખાસમખાસ ગણાતા ડો.શ્રીવાસ્તવને લગતી જાણકારી પર ઢાંકપિછોડો કરવામાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને બીજા અધિકારીઓને શું રસ છે તેને લઈને પણ હવે અધ્યાપક આલમમાં તરેહ તરેહના તર્ક વિતર્કો શરુ થયા છે.
ઈન્ચાર્જ વીસી અને અધિકારીઓને માહિતી આયોગ સુધી ખેંચી જઈશ
આરટીઆઈ કરનાર પ્રો.સતીષ પાઠકે એક વાતચીતમાં કહ્યું હતું કે, ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને બીજા અધિકારીઓને પૂર્વ વાઈસ ચાન્સેલરને લગતી જાણકારી જાહેર ના થાય તેના માટે ધમપછાડા કરી રહ્યા હોય તેમ લાગે છે પરંતુ જો તેઓ જાણકારી નહીં પૂરી પાડે તો ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને આ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને સામે હું જરુર પડે તો માહિતી આયોગમાં પણ અપીલ કરીશ અને તેમને જવાબ આપવાની ફરજ પાડીશ.