Get The App

MSUમાં ફાઈન આર્ટસ ફેકલ્ટીના વાર્ષિક પ્રદર્શનનો પ્રારંભ : પ્રકૃતિ-માનવીના ટકરાવ સહિતના વિષયો પર કલાકૃતિઓ રજૂ કરાઈ

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
MSUમાં ફાઈન આર્ટસ ફેકલ્ટીના વાર્ષિક પ્રદર્શનનો પ્રારંભ : પ્રકૃતિ-માનવીના ટકરાવ સહિતના વિષયો પર કલાકૃતિઓ રજૂ કરાઈ 1 - image


M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં બેચલર તથા માસ્ટરના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ પરીક્ષાના ભાગરૂપે બનાવેલી કલાકૃતિઓના બે દિવસના પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે.

લગભગ 120 વિદ્યાર્થીઓની કલાકૃતિઓ કલાપ્રેમીઓ માટે આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પ્રકૃતિના રક્ષણ, માણસ અને પ્રકૃતિ વચ્ચે થતો ટકરાવ, મહિલાઓને એક વસ્તુની જેમ જોવાની સમાજની માનસિકતા જેવા વિષયો પર કલાકૃતિઓનું સર્જન કર્યું છે.

- ઓટિઝમનો ભોગ બનેલાની નજરથી દુનિયા દર્શાવી છે 

જેમ કે પેઈન્ટિંગ વિભાગનો વિદ્યાર્થી આદી સ્વામિનાથન ઐયર ઓટિઝમનો ભોગ બનેલો છે. તેનું કહેવું છે કે, અન્ય વ્યક્તિઓ કરતા હું અલગ રીતે સમાજને જોતો હોઉં છું. જેમાં બાળસહજ નિર્દોષતા, ઈચ્છાઓનો રંગ ભળે છે અને મેં મારી નજરથી પ્રકૃતિ અને માનવીના સંઘર્ષને પેઈન્ટિંગમાં દર્શાવ્યો છે.

- પ્રકૃતિ અને કલા વચ્ચે સંવાદ સ્થાપવાનો પ્રયત્ન

મૂળ કેરાલાના અરુણ બીનું કહેવું છે કે, મેં મારા શિલ્પ થકી કલા અને પ્રકૃતિ વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એક કલાકાર પ્રકૃતિ સાથે ઘર્ષણમાં ઉતર્યા વગર પણ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. મારા માટે સર્જન એ સ્વાતંત્રતાનું પ્રતિક છે.

MSUમાં ફાઈન આર્ટસ ફેકલ્ટીના વાર્ષિક પ્રદર્શનનો પ્રારંભ : પ્રકૃતિ-માનવીના ટકરાવ સહિતના વિષયો પર કલાકૃતિઓ રજૂ કરાઈ 2 - image

- મહિલાઓને જોવાના સમાજના દ્રષ્ટિકોણને પડકાર્યો છે 

પેઈન્ટિંગ વિભાગની ખુશી પટેલે કહ્યું હતું કે, મારા પેઈન્ટિંગમાં મેં મહિલાઓને જોવાના સમાજના દ્રષ્ટકોણને પડકાર્યો છે. નારીવાદને મેં હકારાત્મક સ્વરૂપે દર્શાવીને તેના પર પ્રકાશ ફેંકવાનો પ્રયાસ કર્યો છે. મેં મહિલાઓ અને પ્રકૃતિને તેના મૂળ સ્વરૂપમાં સ્વીકારવું જોઈએ તેવો સંદેશ આપ્યો છે.

- જૂના વડોદરા શહેરને દર્શાવવાનો પ્રયાસ 

જૂના વડોદરા શહેરને કલાકૃતિ સ્વરૂપે રજૂ કરનાર અમદાવાદની મેઘા શાહનું કહેવુ હતું કે, હું મૂળે અમદાવાદની છું. ફાઈન આર્ટસમાં અભ્યાસ કરવા માટે વડોદરા આવી ત્યારથી ચાર દરવાજા વિસ્તારમાં ઘર ભાડે રાખીને રહું છું. જૂના વડોદરાની ઓળખ સમા સ્થાપત્યો અને મકાનો મારી નજર સામે એક પછી એક ખતમ થઈ રહ્યા છે. તેને આધુનિક ઓળખ મળી રહી છે. ભાવિ પેઢીને આ વારસાનો પરિચય મળવો જોઈએ. જેના કારણે મેં આ વિષય પર કલાકૃતિ બનાવી છે.

MSUમાં ફાઈન આર્ટસ ફેકલ્ટીના વાર્ષિક પ્રદર્શનનો પ્રારંભ : પ્રકૃતિ-માનવીના ટકરાવ સહિતના વિષયો પર કલાકૃતિઓ રજૂ કરાઈ 3 - image

- ગ્રામ્ય વિસ્તારની સાદગી અને સુંદરતા દર્શાવી 

અંબાજી નજીકના હડદ ગામમાં રહેતી વિશ્વા પ્રજાતિએ ગ્રામ્ય વિસ્તારની ઝલક પેઈન્ટિંગમાં દર્શાવી છે. તેનું કહેવું છે કે, ગામડામાં રહેતી વખત હું પ્રકૃતિની નજીક હોઉં છું. તેની સાદગી, સુંદરતા અને ગામડાના ધબકારને પેઈન્ટિંગમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.

- મુલાકાતીઓની સંખ્યામાં ભારે ઘટાડો 

સામાન્ય રીતે ફાઈન આર્ટસના વાર્ષિક પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. દર વર્ષે શનિવાર અને રવિવારની રજાઓમાં પ્રદર્શન યોજાતું હોય છે. પરંતુ આ વખતે સત્તાધીશોએ નવુ શૈક્ષણિક વર્ષ વહેલું ચાલું કરવાનું કારણ આપીને ગુરૂવાર અને શુક્રવારે  પ્રદર્શનનું આયોજન કર્યું છે. ચાલુ દિવસ અને આકરી ગરમીના કારણે આજે પહેલા દિવસે મુલાકાતીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

Tags :