Get The App

વિવિધ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા માટે માત્ર ૨૫૦૦ ફોર્મ ભરાયા

Updated: Mar 28th, 2025


Google News
Google News
વિવિધ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા માટે માત્ર ૨૫૦૦  ફોર્મ ભરાયા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ચાલતા સંખ્યાબંધ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ આપવામાં આવે છે.જે પૈકી  સ્નાતક અભ્યાસક્રમોના ફોર્મ ભરવાની તારીખ ૪ એપ્રિલથી લંબાવીને ૨૧ એપ્રિલ કરવામાં આવી છે.જ્યારે અનુસ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ તા.૧ થી ૩૧ મે રાખવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે આ વર્ષે યુનિવર્સિટી સત્તાધીશોએ વિવિધ પ્રવેશ પરીક્ષાઓ વહેલી લેવાનું નક્કી કર્યું હતું.જેના કારણે આ અભ્યાસક્રમોમાં તા.૧૮ માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવી જાહેરાત કરાઈ હતી.જોકે યોગ્ય પ્રચાર પ્રસારના અભાવે તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પ્રવર્તી રહેલી ઉદાસીનતાના કારણે આ અભ્યાસક્રમોમાં કુલ મળીને ૨૫૦૦ જ ફોર્મ ભરાયા છે.તેમાંથી પણ ૧૦૦૦ જેટલા ફોર્મ તો બીબીએ કોર્સની પ્રવેશ પરીક્ષા માટે ભરાયા છે.

આ સંજોગોમાં સત્તાધીશો જો પોતાના ટાઈમ ટેબલને વળગી રહે તો બહુ ઓછા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાય તેવી શક્યતા દેખાતી હતી.જેના પગલે આજે મળેલી ડીન્સ મિટિંગમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી અને ફોર્મ ભરવાની તારીખ લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણયના કારણે હવે પ્રવેશ પરીક્ષાની તારીખો પણ બદલાશે.કારણકે અગાઉના ટાઈમ ટેબલ અનુસાર એપ્રિલ મહિનામાં પ્રવેશ પરીક્ષાઓ લેવાનું નક્કી કરાયું હતું.બીજી તરફ સત્તાધીશોએ વિવિધ ફેકલ્ટીઓમાં ૧૮ હેલ્પ સેન્ટરો પણ કાર્યરત કરી દીધા છે.જ્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ધો.૧૨ પછીના વિવિધ કોર્સ તેમજ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની જાણકારી ઉપલબ્ધ છે.


Tags :