એમ.એસ.યુનિમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો કોર્સ શરુ કરવા AICTEની મંજૂરી માગી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીએ એરોસ્પેસ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરુ કરવા માટે એઆઈસીટીઈ( ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન) પાસે મંજૂરી માગી છે.
યુનિવર્સિટી સત્તાધીશો ૩૦ બેઠકો સાથે આ કોર્સ શરુ કરવા માગે છે.યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ટેકનોલોજી ફેક્લ્ટીમાં એરોસ્પેસ એન્જિનયરિંગનો કોર્સ શરુ કરવા માટે પૂરતી જગ્યા છે.આ કોર્સને બોર્ડ ઓફ સ્ટડિઝની બેઠકમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે.કોર્સ શરુ કરવા માટે એઆઈસીટીઈ પાસે મંજૂરી માગવામાં આવી છે અને તેની સાથે સાથે સરકાર પાસે ૬૦ કરોડ રુપિયાની ગ્રાંટ પણ માગવામાં આવી છે.કારણકે કોર્સ માટે પ્રોડક્શન, ડિઝાઈન, સિમ્યુલેટર કોમ્પ્યુટર, ઈલેક્ટ્રિકલ સુવિધાઓની જરુર પડશે.કોર્સ હાયર પેમેન્ટ ધોરણે ચાલશે.જેની ફી અમે એક લાખ રુપિયાની આસપાસ રાખવાની વિચારણા કરી રહ્યા છે.કોર્સમાં એરોસ્પેસ વિષયના નિષ્ણાતોને ભણાવવા માટે બોલાવવાની યોજના છે.સરકાર અને એઆઈસીટીઈની મંજૂરી મળી જાય તો ૨૦૨૫-૨૬ના વર્ષથી કોર્સ શરુ કરવાની યોજના છે.
સાથે સાથે તેમણે કહ્યું હતું કે, મિકેનિકલ એન્જિનિયરમાં પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની જેમ વધારાની ૬૦ બેઠકો માટે એઆઈસીટીઈની મંજૂરી માગવામાં આવી છે.મિકેનિકલ એન્જિનિયરિંગની બેઠકોની ભારે ડીમાન્ડ છે.આ તમામ હાયર પેમેન્ટ બેઠકો રહેશે.મંજૂરી મળશે તો કોમ્પ્યુટર સાયન્સની જેમ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ બેઠકો વધીને ૧૨૦ થશે.