રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવમાં જૂડોની સ્પર્ધામાં કુ. રીંતુ વાજાને સિલ્વર મેડલ
S.Y. B.A. ની વિદ્યાર્થીનીએ યુનિ.નું ગૌરવ વધાર્યું : ઉતરાખંડમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ વર્લ્ડ યુનિ.ની સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરાશે
રાજકોટ, : તાજેતરમાં વેસ્ટઝોનનાં રમતોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિ.ને બ્રોન્ઝ મેડલ અપાવનાર અહીની જે.જે. કુંડલીયા આર્ટસ કોલેજની એસ.વાય. બી.એ.ની વિદ્યાર્થીની કુ. રીતુ વાજાએ ઉતરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં સીલ્વર મેડલ મેળવી વધુ એક વકત સૌરાષ્ટ્ર યુનિ.નું ગૌરવ વધાર્યું હતું. આ વિદ્યાર્થીનીને હવે વર્લ્ડ યુનિવર્સિટીની જૂડોની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિ.નાં શારીરિક શિક્ષણ વિભાગના પ્રયત્નોથી આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની ખેલકૂદ સ્પર્ધામાં ઉજ્જવળ દેખાવ કરીન ેયુનિ.નું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય હેન્ડ બોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિ.ની ટીમ ચેમ્પિયન બન્યા બાદ એથ્લેટીકસની રાષ્ટ્રીય સ્પર્ધામાં કુ. દેવયાની બા ઝાલાએ દોડની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વધુમાં તાજેતરમાં ઉતરાખંડ ખાતે દેશની જૂદી જૂદી યુનિ.વર્સિટીના ખેલાડીઓની સ્પર્ધામાં જૂડોની ઈવેન્ટમાં યુનિ.ની મહિલા સ્પર્ધક કુ. રીતુ વાજાએ સિલ્વર મેડલ મેળવતા યુનિ.નાં કુલપતિ ડો. ઉત્પલ જોશી અને શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ અભિનંદન પાઠવ્યા હતાં. યનિ.નાં બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠક આગામી દિવસોમાં યોજાનાર છે. ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ યુનિ.ને મેડલ અપાવનાર ખેલાડીઓને રૂ. 25,000 નો રોકડ પુરસ્કાર મળે તેમજ યુનિ.માં સ્પોર્ટસ કવોટા હેઠળ ભરતી કરતી આ ખેલાડીઓનું યોગ્ય સન્માન કરવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવનાર હોવાનું બોર્ડ ઓફ સ્પોર્ટસના સભ્યો દ્વારા જણાવાયું હતું.