Get The App

લગ્નપ્રસંગોમાં ચોરી કરતી એમપીની 'કડિયા સાસી' ગેંગ આખરે ઝડપાઈ

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News

રાજકોટના 2, સુલતાનપુરનો એક મળી 41થી વધુ ગુના કબુલ્યા કિશોર કે કિશોરીને લગ્ન સમારોહમાં મોકલી ચોરી કરાવતા હતા, રૂા. 21 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, : લગ્ન પ્રસંગોમાં મહેમાન બની જઈ વર-કન્યા પક્ષ અને મહેમાનોના દાગીના  અને રોકડ સહિતની કિંમતી માલમત્તાની ચોરી કરી તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની આંતરરાજય કડિયા સાસી તરીકે ઓળખાતી ગેંગના 6 સભ્યોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. આ ગેંગે રાજકોટમાં બે, સુલતાનપુરમાં એક અને અન્યો રાજયોમાં મળી 41થી વધુ ગુના કબુલ્યા છે. ક્રાઈમ બ્રાંચે આ ગેંગ પાસેથી રૂા. 21લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અર્જુન પાર્ટી પ્લોટ અને ઘંટેશ્વર પાર્કમાં યોજાયેલા લગ્ન સમારોહમાંથી લાખોની મત્તાની ચોરી થઈ હતી. જે અંગે તાલુકા અને ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો કામ કરતી હતી.

આખરે ક્રાઈમ બ્રાંચની તપાસમાં મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના કડિયા ગામ અને તેની આજુબાજુમાં રહેતી અન કડિયા સાસી તરીકે ઓળખાતી ગેંગની સંડોવણી ખુલી હતી. જેથી આ ગેંગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.સી. સાકરીયા સહિતની ટીમને મધ્યપ્રદેશ પણ મોકલવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. આખરે ગેંગના સભ્યો ગુનો કરવા ફરીથી રાજકોટ આવી રહ્યાની માહિતી મળતા ક્રાઈમ બ્રાંચે માલીયાસણ પાસેથી ઝડપી લીધા હતા. 

જેમાં એસકુમાર ધરમસિંહ સીસોદીયા (ઉ.વ. 45), સોનુ ઉર્ફે દિપક ભેરૂસિંહ સીસોદીયા (ઉ.વ. 26), વિવેક જયનારાયણ સીસોદિયા (ઉ.વ. 26), ઋત્વિક ઉર્ફે કાલા ઉર્ફે મહેશ ઉર્ફે ઝીંગા સીસોદીયા (ઉ.વ. 18), ગોમતી દિલીપસિંહ સીસોદીયા (ઉ.વ. 36) અને એક કિશોરનો સમાવેશ થાય છે. 

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આ ટોળકી સ્વીફટ કારમાં કોઈપણ શહેરમાં યોજાતા લગ્નપ્રસંગમાં ચોરી કરવા માટે જતી હતી. સાથે કિશોર કે કિશોરીને રાખતી હતી. આ બેમાંથી કોઈપણ એકને લગ્નને અનુરૂપ કપડા પહેરાવી લગ્ન સમારોહમાં મોકલતી હતી. સાથે ટોળકીનો એક સભ્ય ગાઈડ તરીકે જતો હતો. મહેમાનો વચ્ચે ભળી જઈ કિશોર કે કિશોરી મોકો જોઈ વર-કન્યા નજીક પડેલી કિંમતી મત્તા સાથેની બેગ કે પર્સ ચોરી લેતાં હતા. જો પકડાઈ જાય તો સાથે રહેલો ગાઈડ વચ્ચે પડી બાળક છે જવા દો તેમ કહી છોડાવી લેતો હતો. 

જો ચોરીમાં સફળતા મળે તો કિશોર કે કિશોરી અને તેની સાથેનો ગાઈડ અન્ય જગ્યાએ કાર લઈ ઉભેલા ગેંગના બીજા સભ્યો પાસે પહોંચી જતા હતા. ત્યારબાદ આ ગેંગના સભ્યો સમય અનુકૂળ ન હોય તો કારમાં જ સુઈ જતા હતા. બાદમાં પોતાના વતન જઈ ચોરીનો મુદ્દામાલ મુકી ફરીથી બીજો ગુનો કરવા નીકળી પડતા હતા. 


Google NewsGoogle News