'મનરેગામાં નેતાઓ-અધિકારીઓની મિલીભગત છે', ભાજપના સાંસદે જ યોજનાની ખોલી પોલ
MP Mansukh Vasava On MGNREGA Scheme : ગુજરાતમાં મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગત થાય છે, આ આરોપ લગાવ્યો છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ. સાંસદે મનરેગા યોજના 2024-25ની ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મનરેગાના કામની ગુણવત્તાને વધારવા માટે ત્રણ વર્ષનો મનરેગાનો અનુભવ ધરાવતા હોય તેમને કામ આપવું જોઈએ તેવું સૂચન કર્યું છે.
મનરેગા મામલે મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં ચાલતી ગોબાચારીને ઉજાગર કરતો એક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે. જેમાં તેમણે મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓ પોતાની માનિતી એજન્સીઓને કામ આપે છે તેવો દાવો કર્યો છે. પત્રમાં વસાવાએ લખ્યું છે કે, બજાર કરતા ઓછા ભાવનું ટેન્ડર ભરીને એજન્સીઓ ગુણવત્તા વગરનું કામ કરે છે. તેથી સરકારનું જ ખરાબ દેખાઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 89 હજારથી વધુ સહકારી મંડળી, છ કરોડની વસ્તીમાં દર ચોથો વ્યક્તિ મંડળીનો સભ્ય
સાંસદનું કહેવું છે કે, 'મનરેગા યોજનાનું તમામ જિલ્લામાં ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ કેટલાક જિલ્લામાં ટેન્ડરના નિયમોમાં ફેરફાર-ચેડા કરીને કામ થાય છે. જેમાં અનુભવી એજન્સીને બદલે નેતાઓ અને તેમના નજીકનાઓને ટેન્ડર મંજૂર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યાં છે'.
વસાવાનો દાવો છે કે કેટલીક એજન્સીઓએ મનરેગા યોજના માટેના ટેન્ડરમાં 40-45 ટકા નીચા ભાવ ભર્યા છે. મનરેગા યોજનામાં પારદર્શક્તા વાળુ કામ થાય તે માટે સાંસદે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એવું સૂચન પણ કર્યું છે કે, મનરેગાના કામની ગુણવત્તાને વધારવા માટે ત્રણ વર્ષનો મનરેગાનો અનુભવ ધરાવતા હોય તેને કામ આપવું જોઈએ.