'...તો હવે ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવુ જોઈએ', દુષ્કર્મની ઘટનાઓને લઈને ગુસ્સે થયા સાંસદ ગેનીબેન ઠાકોર
Geniben Thakor : ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 10 થી વધુ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ દરરોજ મહિલાઓ કે સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટના બને છે. વડોદરા, સુરેન્દ્રનગર, આણંદ, સુરત સહિતની ઘટનાને લઈને બનાસકાંઠાનાં કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે રાજ્ય ગૃહમંત્રીના રાજીનામાંની માગ કરી છે. આ સાથે નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાની છૂટને લઈને પણ ગેનીબેને આકરા પ્રહાર કર્યા.
એક મહિનામાં 30-40 જેટલી દુષ્કર્મની ઘટના
પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ-કોન્ફરન્સમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં આ પ્રકારની ઘટના ઘણી શરમજનક કહેવાય. નવરાત્રિના તહેવાર દરમિયાન વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાં સગીરા-યુવતી પર દુષ્કર્મની ઘટના ઘટી છે. જ્યારે છેલ્લા એક મહિનાની અંદરમા 30-40 જેટલી દુષ્કર્મની ઘટના બની છે, રાજ્યના ગૃહમંત્રીને અડધો ટકો પણ નૈતિકતા અને જવાબદારી હોય તો આ પદ પરથી હવે રાજીનામું આપી દેવું જોઈએ.'
તેમણે કહ્યું કે, 'રાજ્યના ગૃહમંત્રી ચમરબંધીની વાત કરે છે, પણ ચમરબંધીનો ભાવાર્થ શું થાય એ એમને જ ખબર છે. હું માનું છું ત્યાં સુધી ચમરબંધીની વ્યાખ્યા એટલે કે ક્રાઈમ સાથે સંકળાયેલા લોકો અથવા તો હાલ રૂટીન સરકારના મંત્રી હોય કે એમના લાગતા વળતા હોય એ ચમરબંધી ગણાય... ભાજપનો ખેશ પહેરે એટલે તમામ પ્રવૃત્તિ કરવાની છૂટ મળતી હોય છે... પણ આ ચમરબંધીઓને વહેલીતકે જેલના હવાલે કરે અને ગૃહ વિભાગ મારફતે એવો ખોફ આવવો જોઈએ, જેથી કોઈ આવી ઘટના કરતા સો વખત વિચારે... પણ એ પૈકીના કોઈ પગલા ન લેવાતા હોવાથી આવા બનાવો અટકવાના નામ લેતા નથી.'
નવરાત્રિની છૂટને લઈને ગેનીબેને શું કહ્યું?
નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાની છૂટને લઈને ગેનીબેને સરાકર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'નવરાત્રિમાં પાંચ વાગ્યા સુધી પરવાનગી આપીને તમે એ કહેવા માગુ છો કે, કેફી પદાર્થોનું વેચાણ તમારા વિભાગ મારફતે... ને તેના હપ્તા કેટલા વધારે મળે... એટલા માટે કરીને તમે પાંચ વાગ્યા સુધીની છૂટ આપો છો. જેમાં પાંચ વાગ્યા સુધી જાગતા યુવાનો ક્યાંક ડ્રગ્સ, દારુ, ગાંજા જેવા તમામ પ્રકારના કેફી પદાર્થનું વધુ પડતું સેવન કરે અને તમારો વેપાર થાય... મને લાગે ત્યાં સુધી તમારે છૂટ આપવા પાછળ આટલો જ ભાવાર્થ હશે.'