Get The App

એમ.એસ.યુનિવર્સિટીમાં અનામત ખતમ કરવા હિલચાલ, વડોદરાના વિદ્યાર્થીઓને લાગી શકે ઝટકો

Updated: May 12th, 2024


Google NewsGoogle News
એમ.એસ.યુનિવર્સિટીમાં અનામત ખતમ કરવા હિલચાલ, વડોદરાના વિદ્યાર્થીઓને લાગી શકે ઝટકો 1 - image


Vadodara: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસનું પરિણામ જાહેર કરી દેવામાં આવું છે. એવામાં હવે વિદ્યાર્થીઓ કોલેજમાં કે મહાવિદ્યાલયોમાં પ્રવેશ મેળવવા માટે દોટ મુકશે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટેની અનામતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

અનામતના મુદ્દાને લઈને યુનિવર્સિટી વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ, સાયન્સ અને કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં એફવાયમાં અને માસ્ટરના પહેલા વર્ષમાં પ્રવેશ માટે 70 ટકા જેટલી બેઠકો સ્થાનિક એટલે કે વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે. ત્યારે હવે યુનિવર્સિટીમાં ચાલતી ચર્ચા પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત દૂર કરવાની હિલચાલ શરુ કરી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થઈ ગયા છે અને આગામી દિવસોમાં  પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થવાનો છે ત્યારે  સ્થાનિક વિદ્યાર્થીઓની અનામતના મુદ્દાને લઈને યુનિવર્સિટી વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે.

કેટલાક ડીન્સે અલગ અલગ પ્રકારના સૂચનો કર્યા 

એવુ કહેવાઈ રહ્યુ છે કે, તાજેતરમાં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વાઈસ ચાન્સેલર દ્વારા બોલાવવામાં આવેલી ડીન્સ બેઠકના ઝીરો અવરમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં વર્ષોથી સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રખાતી બેઠકો કાઢી નાંખીને ગુજરાત તેમજ ગુજરાત બહારના એમ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જેની સામે કેટલાક ડીન્સે અલગ અલગ પ્રકારના સૂચનો પણ કર્યા હતા. 

બેઠકો કાઢી નાંખશે તેવી શક્યતાઓ

હવે કોમન એડમિશન સિસ્ટમ હેઠળ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના ફોર્મ એક જ પોર્ટલ પર ભરાઈ રહ્યા છે. જે ફોર્મ બાદમાં સરકાર દ્વારા જે તે યુનિવર્સિટીને મોકલવામાં આવશે. કોમન એડમિશન સિસ્ટમને આગળ ધરીને સત્તાધીશો આ વર્ષથી સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો કાઢી નાંખશે તેવી શક્યતાઓ છે. ઉપરાંત કોમન એકટ લાગુ થયા બાદ આવો નિર્ણય લેવાય તો પણ તેની સામે વિરોધ થવાની કોઈ શક્યતા નથી. જો આવુ થયુ તો એમ.એસ.યુનિવર્સિટીની સ્થાપના બાદ વડોદરાના વિદ્યાર્થીઓને સૌથી મોટો અન્યાય થશે. જેની સામે વડોદરાના લોકો વિરોધ કરશે કે કેમ તે પણ શંકા છે. કારણકે ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીની એફવાયની બેઠકો ઘટાડી દેવાયા બાદ પણ વડોદરામાંથી વિરોધનો એક સૂર ઉઠયો નહોતો.

કોઈ નિર્ણય લેવાયો નથી, ફેકલ્ટી ડીન્સ જ નક્કી કરશે 

દરમિયાન યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોએ કહ્યુ હતુ કે, સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની બેઠકો કાઢી નાંખવાનો કોઈ નિર્ણય હજી સુધી લેવાયો નથી. ચર્ચા તો ઘણી બધી થતી હોય છે. આ મુદ્દે યુનિવર્સિટી દ્વારા નહીં પણ જે તે ફેકલ્ટીના ડીન દ્વારા જ નિર્ણય લેવાશે. અત્યારની સ્થિતિ પ્રમાણે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.


Google NewsGoogle News