પાણીનો છંટકાવ તેમજ રોલિંગ યોગ્ય નહી થતાં કરજણ-કાયાવરોહણ વચ્ચે રોડના કામથી વાહનચાલકોને હેરાનગતિ
સ્થળ પર બોર્ડ તેમજ સેફ્ટીના સાધનોનો અભાવ ઃ ગુણવત્તા નિયમન દ્વારા તપાસ થવી જોઇએ
વડોદરા, તા.30 વડોદરા જિલ્લામાં કરજણ-કાયાવરોહણ વચ્ચેના આશરે ૧૦ કિ.મી. રોડનું કામ હજી શરૃ થયું છે અને કામની ગુણવત્તા તેમજ સેફ્ટી વગર થતા કામ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થળ પર કોઇ અધિકારી હાજર નહી રહેતાં યોગ્ય કામગીરી નહી થતાં રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને હેરાન પરેશાન થવું પડે છે.
ઉલ્લેખનીય છે કે કરજણ-કાયાવરોહણ રોડ પરથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. આ રોડની હાલત એકદમ ખરાબ થઇ ગઇ હોવાથી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના રિસર્ફેસીંગ માટે ટેન્ડર ઇસ્યૂ કરવામાં આવ્યું હતું. રૃા.૧૪ કરોડના કામની સામે ૧૪થી ૧૫ ટકા ઓછો ભાવ આપનાર એજન્સીનું રૃા.૯.૨૪ કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. ઓછા ભાવના કામ મંજૂર થતાં કામ કેવું થાય તે શરૃઆતથી જ મોટો પ્રશ્ન હતો અને તે મુજબ જ હાલ કામ ચાલી રહ્યું છે.
છેલ્લા દોઢ મહિનાથી કામ શરૃ થતાની સાથે જ વાહનચાલકોને હેરાન થવું પડે છે. રોડના કામ અંગે કોઇ બોર્ડ પણ લગાવાયું નથી તેમજ સેફ્ટીના સાધનોનો પણ ઉપયોગ કરાયો નથી. વોટરિંગ તેમજ રોલીંગ નિયમિત નહી થતાં ધૂળ હંમેશા ઉડતી હોય છે જેના કારણે વાહનચાલકોને તેની સીધી અસર થાય છે. મોટી રકમનું કામ થતું હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ નિયમિત સ્થળ પર હાજર હોતા નથી.
ગુણવત્તા નિયમન દ્વારા જો તપાસ હાથ ધરવામાં આવે તો અનેક વિગતોનો પર્દાફાશ થાય તેમ છે. માત્ર આ જ માર્ગ નહી પરંતુ અન્ય રોડના ચાલતા કામોમાં પણ ગુણવત્તા નિયમન દ્વારા તપાસ હાથ ધરવી જોઇએ જેથી રોડના કામમાં ગોબાચારી થતી અટકી શકે.