જસદણનાં ભાડલા ગામનાં મહિલા સરપંચ વિરૂધ્ધ 8 સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
જસદણનાં ભાડલા ગામનાં મહિલા સરપંચ વિરૂધ્ધ 8 સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત 1 - image


સરપંચની પંચાયત કચેરીમાં ગેરહાજરી, ભ્રષ્ટાચારના આક્ષેપ : ગ્રામપંચાયતના સરકારી વહીવટમાં સહીઓ સરપંચના પતિની જ : ખોટાં બિલ- વાઉચર બનતા હોવાના પણ ગંભીર આરોપ, નવા-જૂનીના એંધાણ

જસદણ, : જસદણ તાલુકાના ભાડલા ગામના ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ કુલ 8 સભ્યોએ  લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ભાડલાના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો છે. 

જસદણ તાલુકાના ભાડલા ગ્રામ પંચાયતના સભ્ય તથા ઉપસરપંચ એ. બી. ખાચર, સહિત કુલ આઠ સભ્યોએ લેખિતમાં સહીઓ સાથે ગ્રામ પંચાયતમાં ઇન્વર્ડ કરાવેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ ભાડલા ગ્રામ પંચાયતના સરપંચ મનીષાબેન અરવિંદભાઈ ડોબરીયા વિરૂદ્ધમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરીએ છીએ. સરપંચના પતિ અરવિંદભાઈ બાબુભાઈ ડોબરીયા દ્વારા ગ્રામ પંચાયત નો સઘળો વહીવટ સાંભળવામાં આવે છે. સરપંચ તરીકેનાં તમામ ડોક્યુમેન્ટમાં  સહીઓ પણ સરપંચ પતિ  દ્વારા કરવામાં આવે છે.  મહિલા સરપંચે ક્યારેય સરપંચ  તરીકે ગ્રામ પંચાયતમાં હાજરી  આપી નથી. મહિલા સરપંચના પતિ હસ્તક જ સઘળો વહીવટ ચલાવવામાં આવે છે. ખોટા બીલ બનાવવા અને ખોટા વાઉચર બનાવવામાં આવે છે. વિકાસના તમામ કામો નબળી ગુણવત્તાના અને એસ્ટીમેન્ટની વિરૂદ્ધ જઈને કરેલા છે. ગેરરીતિ અને ભ્રષ્ટાચારવાળા કરવામાં આવેલા છે.  ગ્રામ પંચાયતના કોઈ પણ સભ્યને વિશ્વાસમાં લીધા વિના કે કોઈપણ પ્રકારની માહિતી આપ્યા વિના સરપંચના પતિ દ્વારા જ તમામ વહીવટ કરવામાં આવે છે.  પંચાયતના સભ્યોની જાણ વિના સરપંચ પતિ દ્વારા બારોબાર  ખોટા ઠરાવો કરવામાં આવે છે.  પંચાયતની બોડીને કોઈ પણ પ્રકારની આવક જાવક કે 15માં નાણાપંચની ગ્રાન્ટ આયોજન તેમજ અન્ય પંચાયત સંબંધીત માહિતી આપવામાં આવતી નથી અને જાણી જોઈને છૂપાવવામાં આવે છે આમ આ બધા કારણોસર મહિલા સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.  તેમ રજૂઆતમાં અંતમાં જણાવવામાં આવ્યું છે. 


Google NewsGoogle News