બીડી પીવા બાબતે માતાએ ઠપકો આપતા ૧૬ વર્ષના પુત્રએ ઘર છોડયું
કપડાં, આધારકાર્ડ, જન્મનો દાખલો, એલસી બેગમાં ભરી નીકળી જતા પોલીસની શોધખોળ
વડોદરા, તા.27 શહેરના બાપોદ વિસ્તારમાં માતાએ બીડી પીવા બાબતે ઠપકો આપતા કપડા તેમજ પોતાના દસ્તાવેજો લઇને ૧૬ વર્ષનો પુત્ર ઘેરથી નીકળી ગયો હતો.
બાપોદમાં વુડાના મકાનમાં રહેતી માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારો ૧૬ વર્ષનો પુત્ર ધોરણ-૧૦માં નાપાસ થયા બાદ જય અંબે નગર ખાતેના એક સ્ટોરમાં નોકરી કરે છે. તા.૫ના રોજ મારા પતિ દ્વારકા અને સોમનાથ ગયા હતાં તે સમયે મારો પુત્ર સવારે નોકરી પર જઇને સાંજે પરત ફર્યો ત્યારે તેના મોંઢામાઁથી બીડી પીધી હોય તેવી વાસ આવતા મેં તેને ઠપકો આપ્યો હતો. મારા ઠપકાથી તેને ખોટું લાગતા તે ઘરમાંથી નીકળી ગયો હતો.
અડધો કલાક બાદ તે પરત ફર્યો હતો અને આર્મી કલરની બેગમાં કપડાં, આધાર કાર્ડ તેમજ તેના જન્મનો દાખલો, એલસી લઇને ઘરમાંથી જવા નીકળ્યો ત્યારે મેં તેને રોક્યો પરંતુ તે કશું પણ જણાવ્યા વગર જતો રહ્યો હતો. મારો પુત્ર ગુસ્સાવાળા સ્વભાવનો હોવાથી અગાઉ પણ ચાર-પાંચ વખત ઘેરથી નીકળી ગયો હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે ઘેરથી નીકળી ગયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.