Get The App

માતાએ 18 દિવસની માસૂમ બાળકીને નદીમાં ફેંકી અપહરણ થયાનું જુઠ્ઠાણું ચલાવ્યું

સુરતના ઉન વિસ્તારની 24 વર્ષની પરિણીતાનું નિર્દયી કૃત્ય : માતા-પિતાની મરજી વિરુદ્ધ વર્ષ પહેલા લિવ ઈનમાં રહેતી થયેલી પરિણીતા પતિ સાથે વિખવાદ થતા પરિવાર પાસે પહોંચતા ઠપકો આપ્યો હતો

પોલીસે ફાયર બ્રિગેડની મદદથી કલાકો સુધી તાપી નદીમાં બાળકીની શોધખોળ કરી પણ મોડે સુધી ભાળ નહીં મળી

Updated: Nov 13th, 2021


Google NewsGoogle News
માતાએ 18 દિવસની માસૂમ બાળકીને નદીમાં ફેંકી અપહરણ થયાનું જુઠ્ઠાણું ચલાવ્યું 1 - image


- સુરતના ઉન વિસ્તારની 24 વર્ષની પરિણીતાનું નિર્દયી કૃત્ય : માતા-પિતાની મરજી વિરુદ્ધ વર્ષ પહેલા લિવ ઈનમાં રહેતી થયેલી પરિણીતા પતિ સાથે વિખવાદ થતા પરિવાર પાસે પહોંચતા ઠપકો આપ્યો હતો

- પોલીસે ફાયર બ્રિગેડની મદદથી કલાકો સુધી તાપી નદીમાં બાળકીની શોધખોળ કરી પણ મોડે સુધી ભાળ નહીં મળી

સુરત, : સુરતના ઉન પાટીયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ ગતસાંજે માત્ર 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેંકી બાદમાં પતિ અને પોલીસ સમક્ષ બાળકીના અપહરણનું જુઠાણું ચલાવ્યું હતું. જોકે, બનાવ બાદ તરત પાડોશીઓ કે પતિને જાણ નહીં કરનાર પરિણીતા પોલીસ પાસે પણ પાંચ કલાક બાદ પહોંચતા પોલીસે શંકાના આધારે તેની ઉલટતપાસ કરતા તેણે કબૂલાત કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉન પાટીયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય શાહીન શેખ ગત મોડીરાત્રે 11 વાગ્યે સચીન જીઆઇડીસી પોલીસ મથકે પહોંચી હતી અને જણાવ્યું હતું કે તે સાંજે 6.30 વાગ્યે બાથરૂમ ગઈ હતી ત્યારે કોઈક અજાણ્યો વ્યક્તિ તેના રૂમમાં સુવડાવેલી માત્ર 18 દિવસની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. માત્ર 18 દિવસની બાળકીના અપહરણની વાત સાંભળી ચોંકેલી સચીન જીઆઇડીસી પોલીસે તરત તપાસ શરૂ કરી શાહીનની પુછપરછ હાથ ધરી હતી. જોકે, જેમજેમ તેની પુછપરછ આગળ વધી તેમતેમ પોલીસને શાહીન કશુંક છુપાવતી હોવાનું લાગ્યું હતું. સાંજે 6.30 વાગ્યે કોઈક તેની બાળકીનું અપહરણ કરી ગયું હતું છતાં તેણે તરત પાડોશીઓને પણ જાણ નહીં કરી શોધવા પણ પ્રયાસ કર્યો નહોતો. ઉપરાંત, તેણે પતિને પણ ત્રણ કલાક બાદ જાણ કરી હતી. પોલીસ પાસે પણ તે પાંચ કલાક બાદ પહોંચી હતી.

માતાએ 18 દિવસની માસૂમ બાળકીને નદીમાં ફેંકી અપહરણ થયાનું જુઠ્ઠાણું ચલાવ્યું 2 - image

આથી પોલીસે શાહીનની ઉલટતપાસ શરૂ કરી હતી. છેવટે તેમાં તે ભાંગી પડી હતી અને જાતે જ હોપપુલ પરથી બાળકીને ફેંકી દીધાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. શાહીને હારુન નામના યુવાન સાથે એક વર્ષ અગાઉ માતાપિતાની વિરુદ્ધ જઈ લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનું શરૂ કર્યું હતું. ગતરોજ તેનો હારુન સાથે ઝઘડો થતા તે માતાપિતા પાસે પહોંચી હતી અને ફ=હારુન અંગે ફરિયાદ કરતા માતાપિતાએ તેને ઠપકો આપ્યો હતો કે તે અમારી મરજી વિરુદ્ધ પગલું ભર્યું હતું તો હવે અમે શું કરીએ. આ બાબત લાગી આવતા તે રીક્ષામાં બાળકીને લઈ હોપપુલ પહોંચી હતી અને ત્યાંથી બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ તે ઘરે આવી હતી કલાકો બાદ અપહરણની બોગસ વાત પતિ અને પોલીસને કરી હતી.

શાહીનની કબૂલાતના આધારે પોલીસે ગતરાત્રે જ ફાયર બ્રિગેડની મદદ મેળવી તાપી નદીમાં સવારે ત્રણ વાગ્યા સુધી શોધખોળ કરી હતી પણ બાળકી મળી નહોતી. આજે સવારે ફરી પોલીસે ફાયર બ્રિગેડની મદદ મેળવી નદીમાં મોડીસાંજ સુધી બાળકીની શોધખોળ કરી હતી પણ તેમને સફળતા મળી નહોતી.


Google NewsGoogle News