હાથબમાં માતા-પુત્રીનો સામૂહિક આપઘાતનો મામલો: સારવાર દરમિયાન પુત્રીનું મોત, માતા ગંભીર
Bhavnagar News: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે થોડા દિવસ પહેલા એક મહિલાએ ઘરકંકાસથી કંટાળીને પોતાની બે પુત્રી અને પોતાના પર જ્વલંતશિલ પ્રવાહી છાંટીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણેય માતા-પુત્રી ગંભીર રીતે દાઝી જવાથી સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં આજે શનિવારે નવ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. જ્યારે માતાની હાલત હજુ પણ અતિ ગંભીર છે.
શું હતી સમગ્ર ઘટના?
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતાં નયનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઈ ગોહિલ (ઉ.વ. 31) એ તેમની નવ વર્ષની પુત્રી પ્રતિક્ષા અને અન્ય એક પાંચ વર્ષની પુત્રી ઉર્વશી સાથે હાથબ બંગલા પાસેના દરિયા કિનારા નજીક આવેલા જંગલ જેવા વિસ્તારમાં જ્વલંતશિલ પ્રવાહી છાંટીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં મહિલાના કુટુંબીઓ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી ગયા હતા. ઘટનામાં ત્રણેય માતા-પુત્રી ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે પ્રથમ કોળિયાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. જ્યારે વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણેયની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો: ઘર કંકાસથી કંટાળી હાથબ ગામે માતાનું બે પુત્રીઓ સાથે અગ્નિસ્નાન, ત્રણેય ગંભીર
બનાવની જાણ થતાં ઘોઘા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મહિલા અને તેના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાનમાં ગંભીર રીતે દાઝી ગયેલાં નયનાબહેને ઘર કંકાસથી કંટાળીને પોતાની બન્ને માસુમ પુત્રીઓ સાથે મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું