લુટેરી દુલ્હનના ગુનામાં ફરાર માતા, પુત્રી આણંદથી ઝડપાઈ
બંનેને ગીરગઢડા પોલીસને હવાલે કરાઈ
બંને મહિલાએ હિન્દુ નામો ધારણ કરી લગ્નની લાલચ આપી યુવકને લૂંટી લીધો હતો
આણંદ: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પોલીસ મથકની હદમાં બનેલા લુટેરી દુલ્હનના ગુનામાં નાસતા ફરતા માતા, પુત્રીને એલસીબીએ આણંદ ખાતેથી ઝડપી પાડી ગીર ગઢડા પોલીસને હવાલે કર્યા હતા.
થોડા સમય પૂર્વે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે લુટેરી દુલ્હનનો એક ગુનો બન્યો હતો. જેમાં આણંદ શહેરના જુના દાદરની ગલી નજીક આવેલા સમીર જીમ ખાનાવાળી ચાલી ખાતે રહેતા યાસ્મીનબેન યાસીનભાઈ વ્હોરાએ જયશ્રીબેન અને તેમની પુત્રી મુસ્કાનબેન યાસીનભાઈ વ્હોરાએ પૂજાબેન નામ ધારણ કરી ગીર ગઢડાના યુવકને લગ્ન કરવાના બહાને ફસાવી યુવકને લૂંટી ફરાર થઈ ગયા હતા. જે અંગે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન ગતરોજ આ ગુનામાં નાસતા ફરતા જયશ્રીબેન ઉર્ફે યાસ્મીન તથા તેની દીકરી મુસ્કાન ઉર્ફે પૂજા બંને આણંદ શહેરમાં પોતાના ઘરે આવ્યા હતા. ત્યારે આણંદ એલસીબીએ તપાસ કરતા માતા અને પુત્રી બંને મળી આવ્યા હતા. બંનેની પૂછપરછ કરતા તેઓ લુટેરી દુલ્હનના ગુનામાં નાસતા ફરતા હોવાનું ખૂલતા બંનેની અટકાયત કરી ગઢડા પોલીસના હવાલે કરવાની કામગીરી હાથ ધરી હતી.