જમીન કેમ નામે કરી આપતો નથી કહી માતા- પુત્રને માર માર્યો
મહુધા તાલુકાના મપારિયા ગામની સીમમાં
બંને લાકડા લઈ જતા હતા ત્યારે પિતા- પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
નડિયાદ: મહુધા તાલુકાના મપારિયા ગામની સીમમાં અમારી જમીન કેમ નામે કરી આપતો નથી કહી પિતા- પુત્રએ માતા- પુત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે પિતા- પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મહુધા તાલુકાના મહિસા તાબેના મપારિયા સીમમાં રહેતા લીલાબેન ગોરધનભાઈ સોઢા અને તેમનો દીકરો વિશાલ તા. આઠમીની સાંજે ખેતરમાંથી લાકડા લઈ ઘરે જતા હતા. દરમિયાન રસ્તામાં મળેલા જવાનભાઈ બાબાભાઈ ચૌહાણે વિશાલને અમારા નાના છોકરાઓને કેમ ધક્કો મારી પાડી દીધા હતા તેમ કહેતા, મેં તમારા છોકરાઓને ધક્કો માર્યો નથી તેમ વિશાલે કહ્યું હતું. ત્યારે જવાનભાઈ બબાભાઈ ચૌહાણ ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો. તેમજ મિલકત બાબતની અદાવત રાખી અમારી મિલકત કેમ નામે કરવા સહી કરતો નથી તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારે વિશાલના મમ્મી- પપ્પા તેમજ અન્ય લોકો આવી જતા બંને પિતા- પુત્ર જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે લીલાબેન ગોરધનભાઈ સોઢાની ફરિયાદના આધારે મહુધા પોલીસે જવાનભાઈ બબાભાઈ ચૌહાણ તેમજ પંકજભાઈ બબાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.