રાજસ્થાનથી દ્વારકા દર્શને જતા ભાટિયા પાસે માતા પુત્રીનાં અકસ્માતમાં મોત, એકને ઈજા
- નૂતન વર્ષના પ્રથમદિવસે ખંભાળિયા -દ્વારકા હાઈવે રક્તરંજિત
- મૃતક દીકરીના સાસુ, સસરા ,પતિ, અને પોતાના મા -બાપ ,ભાઈ સહિત કારમાં સવાર હતા, સાત પૈકી ચારનો ચમત્કારિક બચાવ
- મગફળી ભરીને સવારે ભાટિયા યાર્ડમાં ઠલવવા જઈ રહેલા ટ્રેકટર સાથે ઈનોવા ધડાકા સાથે અથડાઈને ડાબી બાજુ ટોટલ લોસ થઈ ગઈ
જામ ખંભાળિયા: કહેવાય છે કે આદર્યા અધૂરા રહે..હરિ કરે સો હોઈ..રાજસ્થાનના અલવરી અને સુરતથી દ્વારકાધીશના દર્શન માટે નીકળેલા બે વેવાઈના પરિવારની ઈનોવા કાર ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર વહેલી સવારે મગફળી ભરીને નનાણાથી ભાટિયા યાર્ડમાં ઠલવવા જઈ રહેલા ટ્રેક્ટર સાથેે કાર ટકરાઈ જતાં માતા-પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે એકને પરિવારજનોેને પણ ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનથી વેવાઈના બે પરિવારોના સાત સભ્યો ઈનોવા કારમાં દ્વારકા દર્શનાર્થે દ્વારકા જઈ રહ્યા હતા . તેઓ ખંભાળિયાથી દ્વારકા તરફ જતા હાઈવે માર્ગ પર ભાટીયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા.આ વખતે સવારે સાડા છ વાગ્યાના સુમારે આ માર્ગ પર નનાણા ગામેથી મગફળી ભરીને ભાટિયા યાર્ડમાં જઈ રહેલા ટ્રોલી સાથેના ટ્રેક્ટર સાથે ઇનોવા કાર ધડાકાભેર ટકરાઈ હતી. જેના કારણે આ ટક્કરમાં ૫૪ વર્ષીય રાધારાણીબેન તેમજ સુરતની ઈન્ડિયન બેન્કમાં નોકરી કરતી તેમની ૨૮ વર્ષની પુત્રી દિવ્યાબેનના ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આ પરિવાર દ્વારકા પહોચે એ પહેલા જીવનલીલા સંકેલાઈ ગઈ હતી.આ બનાવ એટલો ગંભીર હતો કે ઈનોવા કારના ડાબી સાઈડના બન્ને દરવાજા નોખા થઈ ગયા હતા તેમજ ગાડી ટોટલ લોસ થઈ ગઈ હતી.
આ બનાવમાં તેમની સાથેના વવાઈ અને રાધારાનીબહેનના પતિ ે અશોકકુમાર રતનલાલ ગર્ગ (ઉ.વ.૫૫)ને ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે માતા-પુત્રીના બંને મૃતદેહને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૫ ના આજે પ્રથમ દિવસે પરપ્રાંતીય શ્રદ્ધાળુઓ સાથે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે ભારે અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ સંદર્ભે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ફરિયાદ નોંધવા સહિતની જરૂરી તજવીજ હાથ ધરી છે.
આ બનાવમાં વધુ વિગત મુજબ મૃતક દિવ્યાના લગ્ન એક વર્ષ પહેલા પંજાબના હર્ષભાઈ સતીષભાઈ સીંગલ (કોમ્પ્યુટર એન્જિનિયર)સાથે થયા હતા. આ બન્ને સુરત રહે છે. દિવ્યા એના માતા પિતાની એકની એક દીકરી છે. તા.રરના રોજ રાધારાનીબહેન અને તેનો દિકરો વંશ (ઉવ.૧૯) તેમજ દિવ્યાના સસરા સતીષભાઈ અને સાસુ સીતાદેવી એમ બધા ગંગાનગરથી ટ્રેનમાં સુરત આવ્યા હતા.એ બધા સુરત રોકાયા ત્યારે દ્વારકા દર્શન કરવા જવાનો કાર્યક્રમ નકકી કર્યો હતો.આ વખતે જમાઈ હર્ષભાઈએ સુરતમાં ઈનોવા ભાડાની કરી લાવ્યા હતા જેના ચાલક રવિ મનોજભાઈ સિંગ હતા.બધા સાંજના છ વાગ્યાની આસપાસ સુરતથી દ્વારકા દર્શન કરવા નીકળ્યા હતા.