સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકને નડરરૂપ દસથી વધુ પાકા દબાણ દૂર કરાયા
- લારીધારકો એન.ટી.એમ. સ્કુલ પાછળ સ્થળાંતર કરાવાની સૂચના
- 80 ફુટ રોડ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ દસથી વધુ વર્ષો જુના પાકા દબાણ દૂર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો પર બુલડોઝર ફેરવી દેવતા રસ્તો રસ્તાઓ ખુલ્લા થતાં ટ્રાફિકની સસમ્યા હળવી થઇ છે. જ્યારે મેઈન રોડ પરના લારીધારકો અને છુટક ધંધાર્થીઓને એન.ટી.એમ. સ્કુલ પાછળ સ્થળાંતર કરવાની સુચનાઓ અપાવામાં આવી છે.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાંથી સરકાર દ્વારા મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે ત્યારે નવનિયુક્ત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર કાચા તેમજ પાકા દબાણોના કારણે ટ્રાફીકજામની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો અનેકવાર ઉઠવા પામી હતી તેમજ તંત્ર દ્વારા દબાણો દુર કરાયા બાદ ફરી પરિસ્થિતિ તેમને તેમ યથાવત થઈ જતી હતી ત્યારે સંયુક્ત પાલિકામાંથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતા જ નવનિયુક્ત અધિકારીઓની ટીમ દ્વારા શહેરી વિસ્તારોની સફાઈ તેમજ દબાણ બાબતે મુલાકાત લઈ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ ૮૦ ફુટ રોડ પર આવેલ કાચું મંદિર તેમજ ઘાસચારાનું વેચાણ કરતા ચાર થી પાંચ વરંડાઓ અને બસ સ્ટેન્ડ પાસે મેઈન રોડ પર ગંદા પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ પાકી કુંડીઓ સહિતના ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રીવરફ્રન્ટ રોડ પર સફાઈની કામગીરી હાથધરાઈ હતી તેમજ ટાવર રોડ પર ઉભેલ લારીઓ તેમજ છુટક ધંધાર્થીઓને ટાગોર બાગ પાછળ એન.ટી.એમ.હાઈસ્કૂલ રોડ પર સ્થળાંતર થઈ જવાની સુચનાઓ આપી હતી અને એન.ટી.એમ.સ્કુલ પાછળના રસ્તાની પણ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી હતી.