પતંગબાજોની મજા, અબોલ જીવો માટે સજા : ઉત્તરાયણના તહેવારમાં ચાર હજારથી વધુ પશુ-પક્ષી ઘાયલ
અમદાવાદ,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક દોરીને લીધે ચાર હજારથી વધુ પક્ષી ઘાયલ થયા છે જ્યારે 450થી વધુના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. ઘાયલ થનારા પક્ષીનો આ આંક આગામી દિવસોમાં હજુ પણ વધી શકે છે.
પતંગની દોરીથી ઘાયલ પશુ-પક્ષીના પ્રમાણમાં ગત વર્ષ કરતાં 50 ટકાથી વધુનો વધારો નોંધાયો
ઉત્તરાયણના તહેવારોમાં પતંગબાજોની મજા પશુ-પક્ષી માટે સજા સમાન પુરવાર થતી હોય છે.ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે રાજ્ય સરકારના વન વિભાગ, પશુ ચિકિત્સા અધિકારીઓ તેમજ વિવિધ એનજીઓ પણ કરૂણા અભિયાન અંતર્ગત જોડાયા હતા. '108' કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા 14 જાન્યુઆરીના 1500 જ્યારે 15 જાન્યુઆરીના 1459 પશુ-પક્ષીની ઈમરજન્સી નોંધાઇ હતી. આ સિવાય અન્ય એનજીઓમાં 1 હજારથી વધુ ઘાયલ પશુ પક્ષી નોંધાયા હતા.
15 જાન્યુઆરીના સાંજે 6 સુધી 1459 પશુ-પક્ષીની ઈમરજન્સી '1962' કરૂણા એનિમલ એમ્બ્યુલન્સમાં નોંધાઇ હતી. જેમાં 1097 પશુ અને 362 પક્ષીનો સમાવેશ થાય છે. અનેક પક્ષીઓની પાંખ જ્યારે અનેક પક્ષીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ગત વર્ષે ઉત્તરાયણના તહેવોરોમાં બે હજારથી વધુ પક્ષીઓને ઈજા થઇ હતી. જેની સરખામણીએ આ વખતે 50 ટકાથી વધુનો વધારો થયો છે. જાણકારોના મતે, આગામી દિવસોમાં કપાયેલી પતંગ કે ઝાડ-વાયરમાં ફસાયેલી દોરીથી ઈજા પામનારા પક્ષીનો આંક હજુ વધી શકે છે. જ્યાં પણ લટકતી દોરી દેખાય તેને તુરંત કાઢીને તેનો નિકાલ કરવો જરૂરી છે.
15મીએ કયા જિલ્લામાંથી સૌથી વધુ પશુ-પક્ષી ઘાયલ
જિલ્લો |
પશુ |
પક્ષી |
કુલ |
અમદાવાદ |
147 |
64 |
181 |
સુરત |
116 |
62 |
178 |
રાજકોટ |
73 |
131 |
104 |
વડોદરા |
67 |
37 |
104 |
ભાવનગર |
66 |
21 |
87 |
સાબરકાંઠા |
38 |
41 |
79 |
ગાંધીનગર |
46 |
24 |
70 |
જૂનાગઢ |
57 |
04 |
61 |
જામનગર |
52 |
04 |
56 |
કચ્છ |
50 |
06 |
56 |